ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જતા વન વિભાગ એક્શનમાં આવી ગયું છે. અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો. વન્યપ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા ખાંભા, સાવરકુંડલા અને તુલસીશ્યામ સહિતની 8 રેન્જમાં 250 થી વધુ પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. દરરોજ પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. સિંહોની વધતી વસ્તીને ધ્યાને રાખી વન વિભાગ હાલ ‘એક્ટિવ મોડ’માં રહી વન્યપ્રાણીઓના આરોગ્ય અને સુવિધા પર સીધું મોનિટરિંગ કરી રહ્યું છે. ખાંભા તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, પાણીયા પોઇન્ટ રેન્જ, સરસિયા રેન્જ, સાવરકુંડલા રેન્જ, જસધાર રેન્જ, આંબરડી પ્રવાસન રેન્જ સહિત વિસ્તારમાં કેટલાક પોઇન્ટ પર પવન ચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે. મોટાભાગે ટેન્કર મારફતે પાણી ભરવામાં આવી રહ્યા છે તો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાં 250 જેટલા પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ પાણીના પોઇન્ટ કાર્યરત અને સિંહો, હરણ, નીલગાય, પક્ષીઓ કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા પાણીની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લી સિંહ વસ્તી ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોનો આંકડો નોંધાયો છે
