રાધનપુરથી પટ્ટણી દરવાજા પાસેથી ધોરણ-7 પાસ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે રાધનપુર પટ્ટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મહંમદ હનીફ હુક્કા ‘હાર્ડવૈદ કમાલપુરવાળા’ નામના દવાખાનામાં રેડ પાડી હતી. આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આ દવાખાનું ચાર દુકાનોમાં ફેલાયેલું હતું, જેમાં રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને ત્રણ બેડ સાથેના અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા હતા. દવાખાનામાંથી એક્સ-રે મશીન, ડિજિટલ એક્સ-રે રીડર, કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ અને પ્રિન્ટર જેવા સાધનો મળી આવ્યા હતા. આરોપી ઇલિયાસ હુક્કાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે માત્ર ધોરણ-7 સુધી જ અભ્યાસ કર્યો છે અને તેની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી.
Source link
