Final Up to date:
આરોપીઓ પેન્શન એક્ટિવેશન અથવા બેંક સંબંધિત કામના બહાને ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. આ લિંક પર ક્લિક કરતાં જ પીડિતના મોબાઈલ ફોનમાં રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. ત્યારબાદ ઓટીપી મેળવીને થોડા જ સમયમાં પીડિતના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા.
સુરત: સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પેન્શન એક્ટિવેશનના બહાને સુરતના નિવૃત્ત રેલવે મિકેનિકલ ફિટર સાથે ₹8.12 લાખની સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે સુરત પોલીસની તપાસ દરમિયાન મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક નાનકડા ભાડાના ફ્લેટમાંથી સમગ્ર સાયબર ઠગાઈનું રેકેટ ચલાવતા હતા. માત્ર ₹15,000ના ભાડે લેવામાં આવેલા ફ્લેટમાં જમીન પર ગાદલા પાથરીને આરોપીઓ સાયબર ફ્રોડનું આયોજન કરતા હતા.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે બે આરોપીઓ તો ઊંઘી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના યુવાનો ખૂબ ઓછું ભણતર ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. કેટલાક માત્ર 9, 10 અથવા 12 ધોરણ સુધી ભણેલા છે. આરોપીઓમાં કોઈ ડીજે ઓપરેટર તરીકે કામ કરતો હતો, કોઈ વેલ્ડર તરીકે કામ કરતો હતો તો કોઈ હેર કટિંગની દુકાનમાં કામ કરતો હતો. જ્યારે પ્રિયાંશુ પાઠક નામનો એક આરોપી બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ મુજબ ઓછું ભણતર હોવા છતાં આરોપીઓ ટેકનોલોજીના સહારે હાઈટેક સાયબર ઠગાઈ ચલાવતા હતા.
આરોપીઓ પેન્શન એક્ટિવેશન અથવા બેંક સંબંધિત કામના બહાને ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. આ લિંક પર ક્લિક કરતાં જ પીડિતના મોબાઈલ ફોનમાં રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. ત્યારબાદ ઓટીપી મેળવીને થોડા જ સમયમાં પીડિતના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતા. આ જ રીતે સુરતના નિવૃત્ત રેલવે મિકેનિકલ ફિટરને પણ પેન્શન એક્ટિવેશનના બહાને લિંક મોકલી હતી. મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી આરોપીઓએ તેમના બેંક ખાતામાંથી ₹8.12 લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે કે આરોપીઓ ઠગાઈથી મેળવેલા નાણાંનો ઉપયોગ “BetBook247” નામની ગેમિંગ વેબસાઈટ મારફતે કરતા હતા. આ ઉપરાંત કુરિયર મારફતે ભાડાના ફ્લેટના સરનામે અલગ-અલગ બેંક ખાતાની કિટ મંગાવીને તેઓ ફ્રોડ ચલાવતા હતા. આરોપીઓએ ‘ડિપોઝિટ’ અને ‘વિડ્રોઅલ’ નામના વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં નાણાંના લેવડદેવડનો હિસાબ રાખતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે દેશભરમાં 391 જેટલા બેંક ખાતાઓ મારફતે અંદાજે ₹19.24 કરોડનું સાયબર કૌભાંડ આચરાયું હોવાની સંભાવના છે.
પોલીસે રીવાના ફ્લેટ પરથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ, અનેક ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ જપ્ત કર્યા છે. હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો પણ હોઈ શકે છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. સાયબર ક્રાઈમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે પેન્શન, બેંક કે કોઈ પણ સરકારી સેવા માટે આવતી અજાણી લિંક પર ક્લિક ન કરવી અને ઓટીપી અથવા બેંક વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી.

