Final Up to date:
Animal Husbandry Enterprise: કર્જમાં ડૂબેલા એક ખેડૂતે જ્યારે પરંપરાગત ખેતી છોડીને પશુપાલન અને દૂધમાંથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવાનો માર્ગ પસંદ કર્યો, ત્યારે તેની કિસ્મત જ બદલાઈ ગઈ. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામના મનસુખભાઈ લુણાગરિયાએ ભેંસોના દૂધમાંથી પેંડા, ઘી અને માખણ બનાવી મહિને ખર્ચ બાદ 70 હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
ભાવનગર: સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે. લોકો પશુપાલન દ્વારા લાખો રૂપિયાની આવક હાંસલ કરી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અને સહાયઓ અમલમાં મૂકાઈ છે, જેનાથી પશુપાલકો લાભ લઈ રહ્યા છે. વિશેષ રીતે, ઘણા પશુપાલકો દૂધના સીધા વેચાણને બદલે દૂધની વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ગામડાઓ, શહેરો અને વિદેશમાં પણ વેચી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામના રહીશ મનસુખભાઈ લુણાગરિયા ખેતીની કર્જમાં ડૂબી ગયા હતા, પરંતુ તેમના નજીકના સગા સંબંધીઓએ તેમને પશુપાલનના વ્યવસાય તરફ જવાની સલાહ આપી હતી. રોજગારી માટે રોકડી આવક મેળવી શકાય છે, એમ તેઓએ જણાવ્યું હતું. મનસુખભાઈએ બે ભેંસો સાથે આ વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે તેમની પાસે 12 કરતાં વધુ ભેંસો છે. આ ભેંસોના દૂધમાંથી પેંડા, માખણ અને ઘી જેવા ઉત્પાદનો તૈયાર કરીને વેચાણ કરતાં તેમણે મહિને ખર્ચ બાદ 70 હજાર કરતાં વધુની આવક મેળવી રહ્યા છે.

મનસુખભાઈ પરસોતમભાઈ લુણાગરિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી હું પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલો છું. મેં આ વ્યવસાયની શરૂઆત ત્રણ ભેંસો સાથે કરી હતી. હાલમાં મારી પાસે 12 કરતાં વધુ ભેંસો છે. એક સમયે મેં દેવું લીધું હતું, ત્યારે મારા સંબંધીએ મને ભેંસો રાખીને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી હતી.

હાલમાં રોજના એક ટાઇમનું 50 લિટર અને દિવસ દરમિયાન 100 લિટર દૂધ આ ભેંસો થકી મળી રહ્યું છે. આ દૂધનું હું સીધું વેચાણ કરતો નથી પરંતુ તેનો મૂલ્યવર્ધન કરી, દૂધમાંથી પેંડા, ઘી અને માવો તૈયાર કરી વેચું છું. આ તમામ વસ્તુઓનું ઘરેથી જ વેચાણ થાય છે અને મને કોઈપણ જગ્યાએ જવું પડતું નથી. હું શુદ્ધ અને ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ વેચતો હોવાથી લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પેંડાના ભાવ 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ભેંસના ઘીનો ભાવ 1200 રૂપિયા છે. માખણનું વેચાણ કરતાં મને 900 રૂપિયા મળે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પેંડાનું વેચાણ થાય છે. વિદેશ જતાં લોકો પણ તેમના સગા સંબંધીઓ માટે મારા પેંડા ખરીદીને લઈ જાય છે. મહિને આ તમામ વસ્તુઓનું વેચાણ કરીને ખર્ચ બાદ આશરે 70,000 રૂપિયાની આવક થાય છે. હાલમાં જ મને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.
Bhavnagar,Gujarat
