Final Up to date:
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને તેના જ સાસુએ બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. જેથી તેને પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીંયા એક પરિણીતાના સાસુ અને જેઠે તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં પરિણીતા જ્યારે ગૅલેરીમાં સૂકવેલા કપડાં લેવા માટે ગઈ ત્યારે તેના સાસુએ તેને ધક્કો મારતા તે ઉપરના માળેથી નીચે પટકાઈ હતી. જે અંગે સરખેજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ બનાવને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના સાસુ અને જેઠ વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા તેના પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. 9મી ફેબ્રુઆરીના દિવસે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેના મોટા પિતા અને બા તેને મીઠાઈ આપવા માટે ઘરે આવ્યા હતા. અને તેઓ ઘરે ગયા બાદ પરિણીતા સૂઈ ગઈ હતી.
સવારે દસેક વાગ્યાની આસપાસ તેના સાસુએ રાત્રે કોણ આવ્યું હતું તેમ પૂછતા પરિણીતાએ તેના મોટા બાપા અને બા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પરિણીતાના સાસુએ તું તારા મા-બાપને બધાને કહી દેજે અમારા ઘરે મોડી રાત્રે આવવાનું નહીં. પરિણીતાએ આ બાબતની જાણ ફોન કરીને તેની માતાને કરી હતી. બાદમાં પરિણીતાના સાસુ અને જેઠ તેની સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા.
સાસુ અને જેઠ ઝઘડો કરતા પરિણીતાએ તેના પતિને પિતાના ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. પરિણીતા ખૂબ જ રડવા લાગતા તેને ઊલટી થઈ હતી. બાદમાં તે ચહેરો ધોઈને ગૅલેરીમાં સૂકવેલ કપડાં લેવા જતાં તેના સાસુ પાછળથી આવ્યા અને પરિણીતાને ધક્કો મારતા તે ઉપરના માળેથી નીચે પટકાઈ હતી.
ઉલ્લેખનીય છે કે પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિણીતાને ડાબા પગમાં ચાર જેટલા ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે પરિણીતાના સાસુ અને જેઠ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad,Gujarat
Feb 10, 2026 11:46 PM IST

