Final Up to date:
સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 એવા આરોપીઓની ધરપકડ કરી છે કે જેઓ અલગ અલગ રાજ્યમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
સુરત: શહેરમાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કાર ભાડે લઈ બંધ મકાનોને નિશાન બનાવી ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ઘરફોડ ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ચોરી કર્યા બાદ પોલીસથી બચવા માટે સામાન્ય કોલિંગ એપ્લિકેશનનો નહીં પરંતુ ખાસ સુરક્ષિત મનાતી ‘ZANGI’ મોબાઇલ એપનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા.
આ આરોપીઓની ધરપકડ બાદ શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. તારીખ 21/01/2026ના રોજ સુરતના અડાજણ, આનંદ મહેલ રોડ વિસ્તારમાં આવેલા બંધ મકાનોમાંથી ચોરીના બનાવો સામે આવ્યા હતા. આ ઘટનામાં અજાણ્યા તસ્કરોએ બંધ ઘરોમાંથી કિંમતી સામાન અને ઘડિયાળો ચોરી કર્યા હતા. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ FIR નોંધાઈ હતી. ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીના બનાવોને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ પહેલા શહેરમાં કાર ભાડે લેતા, ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોની રેકી કરતા. યોગ્ય તક મળતાં જ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા. ચોરી કર્યા બાદ આરોપીઓ તરત જ શહેર બદલી દેતા હતા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. ‘ZANGI’ એપથી રાખતા હતા સંપર્ક
આરોપીઓની સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ સામાન્ય મોબાઇલ કોલ કે વોટ્સએપનો ઉપયોગ કરતા નહોતા. પોલીસથી બચવા અને ટ્રેક ન થાય તે માટે તેઓ ‘ZANGI’ નામની એન્ક્રિપ્ટેડ મોબાઇલ એપ દ્વારા સંપર્કમાં રહેતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા.
આરોપીઓ પાસેથી પોલીસે ચોરીનો માલ પણ જપ્ત કર્યો છે. જેમાં મુખ્યત્વે 28 મોંઘી કાંડા ઘડિયાળ અને અન્ય કિંમતી ચોરીનો સામાન મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘડિયાળો વિવિધ શહેરોમાં થયેલી ઘરફોડ ચોરીમાંથી મેળવેલી હોવાની શંકા છે.
આરોપીઓએ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાની મજબૂત શંકા છે. પોલીસ હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય સાગરીતો તથા ચોરીના બાકી બનાવો અંગે તપાસ ચાલુ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં સક્રિય ઘરફોડ ગેંગોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
Feb 01, 2026 10:36 PM IST
સુરત: કાર ભાડે કરી રેકી કરીને ચોરીને અંજામ આપતા 2 આરોપી ઝડપાયા, ZANGI નામની એપનો ઉપયોગ કરીને પોલીસથી બચીને રહેતા

