Final Up to date:
દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
દ્વારકા: જિલ્લામાં આજે મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અહીંયા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં એટલી હદે વરસાદ પડ્યો છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં આખી કાર તણાઈ જવાનો બનાવ સામે આવ્યો છે. કાર તણાઈ ગઈ તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જે વીડિયો જોઈને તમે પણ નવાઈ પામી જશો. ધોધમાર વરસાદને કારણે નાવદ્રા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી.
જોકે આ બનાવમાં સારી વાત એ છે કે ડ્રાઇવર સમયસર કારની બહાર નીકળી ગયો હતો. જેના કારણે તેનો ચમત્કારિક બચાવ થયો છે. જિલ્લામાં આજે ભારે વરસાદને લઈને જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને આજે અહીંયા કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. માત્ર 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડવાને કારણે ચારેય તરફ અહીંયા જલબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
દેવભૂમી દ્વારકામાં ભારે વરસાદ
નાવદ્રા ગામમાં પાટીયા પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ pic.twitter.com/vuywvMU4Tv
— Ronak bhavsar (@Ronakbh29150512) July 5, 2025
કલ્યાણપુર પંથકના મેઘપર ટીટોડી ગામે ધોધમાર વરસાદને કારણે કુંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે મેઘપર ટીટોડી ગામને જોડતો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. રાવલ અને ભાટિયા પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અહીંયાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. ભાટિયાથી ભોગાત ગામ તરફ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આજે ધોધમાર વરસાદને કારણે દ્વારકા જિલ્લામાં પાણી જ પાણી થઈ ગયું હતું. ખાસ કરીને અહીંયા કલ્યાણપુર પંથકમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સાથેજ બાકોડી, લાંભા અને ભાટિયા ગામમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
Dwarka,Jamnagar,Gujarat
July 05, 2025 11:12 PM IST

