પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી દેશના ટોચના ન્યાયાધીશોને તેમના બગડતા સ્વાસ્થ્ય અંગે જાણ કરી છે. ન્યાયાધીશોને સંબોધીને લખેલા એક ખુલ્લા પત્રમાં ભૂતપૂર્વ વડાપ્રધાને તેમની વર્તમાન સ્થિતિ અને તેમને મળી રહેલી તબીબી સારવાર વિશે વિગતો આપી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન હાલમાં અદિયાલા જેલમાં કેદ છે.
‘જીઓ ટીવી’ના અહેવાલ મુજબ, ઈમરાન ખાન વતી બેરિસ્ટર સલમાન સફદારે તૈયાર કરેલા આ પત્રમાં ઉલ્લેખ છે કે, ડોક્ટરોએ તેમને બ્રેઈન હેમરેજ (મગજમાં રક્તસ્રાવ) અથવા હાર્ટ એટેક આવવાના જોખમ અંગે ચેતવણી આપી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર 193 સુધી પહોંચી ગયું હતું.
“કદાચ હું જીવતો પાછો ન આવી શકું”
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ (SC), ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ (FCC) અને ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) ના મુખ્ય ન્યાયાધીશોને લખેલા પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે, “ડોક્ટરોનું કહેવું છે કે મને બ્રેઈન હેમરેજ અથવા કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) થવાનું ખૂબ ઊંચું જોખમ છે. વધુમાં મારા હૃદયને પહેલેથી જ નુકસાન થયું છે. 74 વર્ષની ઉંમરે આ સતત ચાલતી પરિસ્થિતિ મને એવા વળાંક પર લઈ જઈ રહી છે જ્યાંથી કદાચ હું જીવતો પાછો ન આવી શકું.”
ઈમરાન ખાન ત્રણ વર્ષથી વધુ સમયથી જેલમાં છે
વર્ષ 2022 માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા ત્યારથી ઈમરાન ખાન ભ્રષ્ટાચાર સંબંધિત અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે અને ત્રણ વર્ષથી વધુ સમયથી જેલમાં છે.
‘રોઇટર્સ’ના અહેવાલ મુજબ જે કેસોમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેમાંથી એક સિવાયના તમામ કેસોમાં સજા કાં તો સ્થગિત કરવામાં આવી છે અથવા રદ કરવામાં આવી છે, અને આ મામલાઓમાં અપીલો હજુ પણ પેન્ડિંગ છે. ઈમરાન ખાને કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે આ આરોપો રાજકીય પ્રેરિત છે જે દાવાને સરકારે ફગાવી દીધો છે.
‘જો હું જીવતો રહીશ, તો હું મારી નિર્દોષતા સાબિત કરીશ’
પોતાના પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે, “જો હું જીવતો રહીશ તો હું મારી નિર્દોષતા સાબિત કરીશ. હું આ પત્ર ન તો ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે લખી રહ્યો છું, ન તો કોઈ રાજકીય પક્ષના વડા તરીકે.” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ અદાલતો કોઈ રાહત આપે છે, ત્યારે દેશની ન્યાયિક પ્રણાલીમાં તેમનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય છે.
પાકિસ્તાનની ન્યાયપાલિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે હવે આશા રાખવા માટે કોઈ અવકાશ રહ્યો નથી, કારણ કે પાકિસ્તાને ન્યાયપાલિકાની સત્તાઓને મર્યાદિત કરવા માટે પોતાના બંધારણમાં સુધારો કર્યો છે. પરિણામે તેમને જે રાહત મળી શકતી હતી તે પહેલાં “ઘણી ઘટાડી દેવામાં આવી અને ત્યારબાદ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી.”
ગયા અઠવાડિયે પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈમરાન ખાનને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીએ કહ્યું, “તેમને બ્લડ પ્રેશર સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ હતી અને ગઈકાલે રાત્રે તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને પાછા જેલના તેમના સેલમાં મોકલી દેવામાં આવ્યા છે.”
