સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીનો ભોપાલ મિલકત પર મોટો ખુલાસો

મનોરંજન ENTERTAINMENT
Spread the love


શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી સબા ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય અને તેના ભાઈ-બહેન સૈફ અલી ખાન અને સોહા અલી ખાનથી વિપરીત તેણે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવી હોય. તેમ છતાં તે પરિવારની એક મોટી જવાબદારી સંભાળી રહી છે.

સબા અલી ખાનને પટૌડી પરિવારની ભોપાલ સ્થિત સંપત્તિની જવાબદારી સોંપવામાં આવી હતી, જેનું અંદાજિત મૂલ્ય ₹1,000 કરોડ છે. તેમના પિતા મન્સૂર (જેઓ ‘ટાઈગર પટૌડી’ તરીકે જાણીતા હતા), ભોપાલના નવાબ બેગમ સાજીદા સુલતાનના પુત્ર હતા. સાજીદાએ પટૌડીના આઠમા નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.

ભોપાલના નવાબ બેગમ તરીકે સાજીદા સુલતાન ચોક્કસ જવાબદારીઓ નિભાવતા હતા. તેમના અવસાન બાદ તે જવાબદારીઓ ટાઈગરને સોંપવામાં આવી હતી, જેમણે ત્યારબાદ સબાને ભોપાલ પ્રોજેક્ટના ‘મુતવલ્લી’ (વહીવટકર્તા) તરીકે નિયુક્ત કર્યા હતા.

‘મુતવલ્લી’ એ ‘વક્ફ’ (ધાર્મિક ટ્રસ્ટ કે સંપત્તિ)ના રક્ષક અથવા વ્યવસ્થાપક તરીકે કામ કરે છે. સબાના કિસ્સામાં તે ‘ઔકાફ-એ-શાહી’ (Auqaf-e-Shahi)ના ‘મુતવલ્લી’ તરીકે સેવા આપે છે. આ ટ્રસ્ટનું સંચાલન અગાઉ તેમના પિતા અને દાદી કરતા હતા. ‘SheThePeople TV’ સાથેની તાજેતરની વાતચીતમાં સાબાએ ઉલ્લેખ કર્યો હતો કે તેમના પિતાએ જ તેમને ભોપાલમાં તેમની જવાબદારીઓ વિશે શીખવ્યું હતું. તેમણે કહ્યું, “તેમણે આ વારસો મને આગળ વધારવા માટે સોંપ્યો હતો.”

પટૌડી પરિવારનો ₹1,000 કરોડનો વારસો

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ વારસાનું મૂલ્ય ખરેખર ₹1,000 કરોડથી વધુ છે, ત્યારે તેમણે તેની પુષ્ટિ કરી. સબા અલી ખાને જણાવ્યું, “ભોપાલ પ્રોજેક્ટમાં મક્કા અને મદીનાને લગતી જવાબદારીઓનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ‘રુબાત’ (પરંપરાગત ધર્મશાળાઓ કે યાત્રાળુઓ માટેના ગેસ્ટ હાઉસ)ના સંદર્ભમાં. આનો અર્થ એ છે કે ભોપાલથી હજ યાત્રાએ જતા યાત્રાળુઓના રહેઠાણની વ્યવસ્થા કરવી. તેથી જ અમે ઈમારતો હસ્તગત કરીએ છીએ.”

ત્યારબાદ તેમણે ભોપાલમાં પોતાની જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ‘ઔકાફ-એ-શાહી’ હેઠળ આવતા સ્મારકોની જવાબદારી તેમની છે. 

સબાએ કહ્યું, “તો હું મસ્જિદો અને તેમના ટ્રસ્ટ હેઠળની ઇમારતોના નિભાવ અને લોજિસ્ટિક્સની જવાબદારી સંભાળું છું. તેમાં મોટી રકમ સંકળાયેલી હોય છે, પરંતુ તે પૈસા ભારત પાછા આવતા નથી કે તેનો ઉપયોગ અંગત હેતુઓ માટે થતો નથી. તે સાઉદી અરેબિયામાં સ્વતંત્ર વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતી એક ધર્માર્થ સંસ્થા છે, જોકે અમે તેની સાથે જોડાયેલા છીએ. તેથી આ એક પ્રતિષ્ઠિત પદ છે. આ એક એવી વિરાસત છે જેના માટે તેમણે (ટાઈગરે) મને સક્ષમ ગણી હતી.”

આ પણ વાંચો: મહારાણી રાધિકારાજે ગાયકવાડનો રોયલ ગરબા લૂક વાયરલ, ઘાઘરા-ચોળી અને કાચની બંગડીઓમાં જીત્યા સૌના દિલ

સબાએ જણાવ્યું કે ભોપાલમાં પરિવારની મિલકતને લગતા કેટલાક કોર્ટ કેસ હજુ પણ પેન્ડિંગ છે. જોકે એકવાર આ બાબતોનો ઉકેલ આવી જાય પછી તેઓ યુવતીઓ માટે એક શાળા અને મહિલાઓ માટે એક હોસ્પિટલ શરૂ કરવાનો ઈરાદો ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે સક્ષમ બનાવવાનો પણ છે.

તેમણે વધુમાં નોંધ્યું હતું કે ‘મુતવલ્લી’ (વહીવટકર્તા) નું પદ પરંપરાગત રીતે મહિલાઓ સંભાળતી આવી છે. આ ભૂમિકામાં તેમના પિતાનો કાર્યકાળ એક અપવાદ હતો કારણ કે અગાઉ આ પદ માત્ર પરિવારની મહિલાઓ જ સંભાળતી હતી.

સબાએ કહ્યું, “આ ખૂબ જ અધિકાર ધરાવતું પદ છે”. તેમણે સ્વીકાર્યું કે ભલે આ ક્ષેત્ર “પુરુષ-પ્રભુત્વ ધરાવતું” હોય છતાં તેઓ હંમેશાં મક્કમ રહ્યા છે. તેમણે ઉમેર્યું, “મને માન મળે છે કારણ કે તેઓ જાણે છે કે હું મારા કામ પ્રત્યે ગંભીર છું અને કોઈ મને દબાવી શકતું નથી. મને લાગે છે કે આ અભિગમ કારગત નીવડ્યો છે. મેં જે રીતે આ પરિસ્થિતિ સંભાળી છે તેનો મને ખૂબ ગર્વ છે.”

સબાએ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી

સબાએ તેમની બહેન સોહા અલી ખાનની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન તેમના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ વિશે ખુલીને ચર્ચા કરી હતી. સબા અલી ખાને ખુલાસો કર્યો કે 27 વર્ષની ઉંમરે તેમને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો: તેલુગુ અભિનેત્રી બની ‘કાસ્ટિંગ કાઉચ’નો શિકાર, દિગ્દર્શકે અશ્લીલ માંગણી કરતા છોડી દીધી ઈન્ડસ્ટ્રી

તેમણે કહ્યું, “તમારું જીવન અચાનક થંભી જાય છે કારણ કે તે પછી કંઈપણ સામાન્ય લાગતું નથી. એક દિવસ તમે ઠીક હોવ છો અને બીજા જ દિવસે તમને કહેવામાં આવે છે કે તમારે મગજની સર્જરી કરાવવી પડશે. આ એપેન્ડિક્સ કઢાવવા જેટલું સરળ નથી. તે તમને એક રીતે તોડી નાખે છે છતાં તે તમને સક્ષમ પણ બનાવે છે કારણ કે તમારે તેનો સામનો કરવો પડે છે.”

પટૌડીના નવાબ અને ભોપાલ રિયાસત વચ્ચે શું સંબંધ છે?

સાજિદા સુલતાનના પિતા હમીદુલ્લાહ ખાન ભોપાલના છેલ્લા શાસક નવાબ હતા. 1960માં તેમના મૃત્યુ સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. તેમની સૌથી મોટી પુત્રી આબિદા બેગમ, તેમના ઉત્તરાધિકારી હતા. જોકે 1950માં તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. ત્યારબાદ આબિદાની નાની બહેન સાજિદાને આ પદ અને 15,000 કરોડ રૂપિયાથી વધુની અંદાજિત કિંમતની સંપત્તિ વારસામાં મળી હતી. 

સાજીદા બેગમનાં લગ્ન પટૌડીના નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી સાથે થયાં હતાં. તેમના પુત્ર મન્સૂર અલી ખાન જેઓ ‘ટાઈગર’ પટૌડી તરીકે પણ જાણીતા હતા. એક પ્રખ્યાત ક્રિકેટર હતા. ટાઈગરે અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને ત્રણ સંતાનો હતાં. સૈફ અલી ખાન, સબા અલી ખાન અને સોહા અલી ખાન.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *