Faux Physician Arrest In Vadodara : ગુજરાતના વડોદરા શહેરમાં એક નકલી ડોક્ટર ઝડપાયો છે. નકલી ડોક્ટર લગભગ 15 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. વડોદરાના પોશ વિસ્તારમાં લોકો સારવાર માટે ક્લિનિકમાં આવતા હતા અને તેમને લાગતું હતું કે ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. પરંતુ હવે પોલીસનું કહેવું છે કે, પ્રિસ્ક્રિપ્શન લખનાર આ વ્યક્તિ માત્ર 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, વિશ્વજીત પ્રફુલ્લ હલદરના નકલી ડોક્ટર બનવાનું રહસ્ય ત્યારે બહાર આવવાનું શરૂ થયું જ્યારે કેટલાક દર્દીઓને શંકા હતી કે તેમને આપવામાં આવેલી દવાઓ અસર કરતી નથી. ધીમે ધીમે લોકોમાં ચર્ચા શરૂ થઈ અને પોલીસને તેની માહિતી મળી. બુધવારે પોલીસે 45 વર્ષીય હલદરના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા અને તેની ધરપકડ કરી હતી. તેના પર માન્ય મેડિકલ ડિગ્રી અથવા નોંધણી વગર પ્રમિલા ક્લિનિક ચલાવવાનો આરોપ છે.
વડોદરા શહેર પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ, ઝોન-2 દ્વારા મેડિકલ ઓફિસરની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ક્લિનિકમાં એક સામાન્ય ક્લિનિક જેમ સારવારને લગતી તમામ વ્યવસ્થા હતી. એવો આક્ષેપ કરવામાં આવે છે કે હલદર ત્યાં એલોપેથિક દવાઓ લખી આપતો હતો, દર્દીઓને ઇન્જેક્શન લગાવતો હતો અને પાઇલ્સ / હેમોરહોઇડ્સ માટે ચિપિયા જેવા સાધનો વડે ‘ઓપરેશન’ કરતો હતો.
ક્લિનિકમાંથી શું મળ્યું?
પોલીસે ક્લિનિક માંથી 41,000 રૂપિયાની કફ સીરપની 38 બોટલ, 162 ઇન્જેક્શન, 281 દવાઓની સ્ટ્રીપ, 84 ટ્યુબ, 30 પાવડર વાળી દવાઓ, 32 કેપ્સ્યુલ, નસમાં (IV) ચઢાવવામાં આવતા ફ્લૂલ્ડની 9 બોટલ અને 19 ઇન્ફ્યુઝન સેટ જપ્ત કર્યા હતા.
વડોદરા શહેરના ઝોન 2ના ડેપ્યુટી પોલીસ કમિશનર મનજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, “સ્થાનિક લોકો આ ડોક્ટર વિશે ચર્ચા કરી રહ્યા હતા અને સવાલ કરી રહ્યા હતા કે તેમને આપવામાં આવેલી દવાઓ યોગ્ય રીતે કેમ અસર કરતી નથી? તેની પાસે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ જતા હતા અને શહેરના કેટલાક અસલી ડોકટરો કરતાં વધુ કમાણી કરતો હતો.”
તેમણે જણાવ્યું હતું કે, માહિતી મળ્યા બાદ સ્થાનિક ક્રાઇમ બ્રાંચ (એલસીબી)ની ટીમે ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન તેને કથિત રીતે તેની પાસે નકલી મેડિકલ સર્ટિફિકેટ મળ્યું હતું. તેના પર નકલી BIAMS (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી) ડિગ્રીનો ઉપયોગ કરીને મસા અને ભગંદરની સર્જરી કરવાનો આરોપ છે.
ગરમ ચીપિયાથી સર્જરી કરતો
પોલીસના જણાવ્યા અનુસાર, તે એનેસ્થેસિયા વગર ગરમ ચીપિયાથી મસા અને ભગંદરની સર્જરી કરતો હતો અને આ માટે દર્દીઓ પાસેથી 25000 રૂપિયા સુધી ચાર્જ લેતો હતો.
પોલીસે કહ્યું કે, આરોપી પશ્ચિમ બંગાળમાં ડોક્ટરના ક્લિનિકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. લગભગ 15 વર્ષ પહેલા તે વડોદરા આવ્યો હતો જ્યાં તેણે ડોક્ટર બનીને અકોટા વિસ્તારમાં ક્લિનિક ચલાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, “તેણે 10 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે અહીં એકલો રહેતો હતો અને મોટાભાગના નીચલા મધ્યમવર્ગના દર્દીઓ તેમની પાસે સારવાર માટે આવતા હતા. શક્ય છે કે, ડોક્ટરના ઘરે હેલ્પર તરીકે કામ કરતી વખતે તેણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ વિશે જાણ્યું હશે. આ વર્ષો દરમિયાન, કોઈએ તેના પ્રમાણપત્રો તપાસ્યા ન હતા. તેની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદા અનુસાર જામીન આપવામાં આવ્યા હતા. ”
હવે પોલીસ તપાસનું સંપર્ણ ધ્યાન કથિત નકલી ડોક્ટરોને ઉઘાડા પાડવાનું છે. તેણે કેટલા દર્દીઓની સારવાર કરી, તેમને કઈ દવાઓ અને ઇન્જેક્શન આપ્યા અને આ કથિત પ્રેક્ટિસથી તેણે કેટલી કમાણી કરી તે જાણવાનું છે. પોલીસ ખોટી રીતે કરેલી કમાણી સામે કાયદેસરની કાર્યવાહીની પણ તપાસ કરશે.
