Final Up to date:
રાજકોટમાં એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત ઈન્કમટેક્સ ઈન્સપેક્ટર સહિત કુલ 3 આરોપીઓ સામે લાંચ માંગવા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટ: શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એરિયર્સ બિલ મંજૂર કરવાના બદલામાં લાંચની માંગણી અને સ્વીકારના મામલે નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.આર. સોલંકીએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરિયાદીનું અંદાજે રૂા. 4 લાખનું એરિયર્સ બિલ મંજૂર કરવા બદલ 20 ટકા લેખે રૂા. 80 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંબી રકઝકના અંતે રૂા. 50 હજાર આપવાનું નક્કી થયું હતું, જેમાંથી અગાઉ રૂા. 5 હજાર એડવાન્સમાં લેવામાં આવ્યા હતા. બાકીના રૂા. 45 હજાર તા. 29 જાન્યુઆરીના રોજ આપવાના હતા. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ.સી.બી. દ્વારા સમગ્ર મામલે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
જે છટકા અંતર્ગત 30 જાન્યુઆરી 2026ના રોજ બજરંગ ઇમીટેશન દુકાન પાસે, ગીરનાર ટોકીઝ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર 38 વર્ષીય રવિ કુમાર જાંગીડ દ્વારા નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ સાથે હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી. રવિ કુમાર જાંગીડના કહેવા મુજબ નિવૃત્ત ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ દ્વારા ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇન્કમટેક્સ ઓફિસના કન્ટીજન પટાવાળા 33 વર્ષીય અક્ષય વાગડિયા રૂા. 45 હજારની લાંચ સ્વીકારતા એસીબી ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.
એ.સી.બી. દ્વારા નિવૃત્ત ઇન્કમ ટેક્સ ઓફિસર શૈલેષ ચૌહાણની શોધખોળ તેમજ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શૈલેષ ચૌહાણ હાલ ભુજ ખાતે રહેતો હોવાનું તેમજ અગાઉ પોતે રાજકોટ ખાતે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ અંદાજીત 2 વર્ષ પૂર્વે તે સરકારી વિભાગમાંથી નિવૃત્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
Jan 30, 2026 10:11 PM IST
રાજકોટ: નિવૃત્તિ બાદ સરકારી બાબુનો લાંચનો વહીવટ, એરિયર્સ બિલ મંજૂર કરવા 80 હજારની લાંચ માગી હતી, કુલ 3 આરોપીઓની ધરપકડ

