Final Up to date:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે શિવાલિક હોસ્પિટલની સામે પોરબંદર રોડ પર યમુના પેટ્રોલપંપની પાસે રવિવારના રોજ રાત્રીના સમયે પાણીમાંથી પેટ્રોલની વાસ આવી રહી હતી. જેથી કૌશિકે પોતાના ભત્રીજા જીગરને પાણીમાં પેટ્રોલ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. જેથી જીગર રાઠોડ દ્વારા પ્રવાહીમાં દીવાસળી સળગાવી ફેંકતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જે આગના બનાવમાં રોડની સાઈડમાં પાર્ક કરેલી swift કાર તેમજ બે મોટરસાયકલ સહિત ત્રણ વાહનો સળગી જતા 4,45,000 રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે શિવાલિક હોસ્પિટલની સામે પોરબંદર રોડ પર યમુના પેટ્રોલપંપની પાસે રવિવારના રોજ રાત્રીના પોણા નવ વાગ્યાના અરસામાં બે જેટલા મોટરસાયકલ તેમજ એક ફોર વ્હીલર કાર સળગવાનો બનાવ સામે આવ્યો હતો. જે બાબતે જામ ખંભાળિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જામ ખંભાળિયા પોલીસ દ્વારા યમુના પેટ્રોલ પંપના સંચાલક 48 વર્ષીય ધીરેન બારાઈ, યમુના પેટ્રોલ પંપ ખાતે સફાઈ કામ કરનારા કર્મચારી 31 વર્ષીય પપ્પુ કુમાર રાય, 32 વર્ષીય અનુપ કુમાર રાજભર તેમજ દીવાસળી સળગાવનાર 19 વર્ષીય જીગર રાઠોડ તથા જીગરના કાકા 32 વર્ષીય કૌશિક રાઠોડ નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
તમામ વ્યક્તિઓ વિરુદ્ધ જામ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલા જાદવ દ્વારા બીએનએસની કલમ 125, 287, 110, 324 (4), 54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મંગળવારના રોજ તમામ આરોપીઓને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રવિવારના રોજ હેર કટીંગના વ્યવસાય સાથે સંકળાયેલ કૌશિક રાઠોડ પોતાના ભત્રીજા જીગર રાઠોડની ”કિસ્મત હેર આર્ટ”ની દુકાન ખાતે ગયો હતો. જ્યાં રાત્રિના સમયે પાણીમાંથી પેટ્રોલની વાસ આવી રહી હતી. જેથી કૌશિકે પોતાના ભત્રીજા જીગરને પાણીમાં પેટ્રોલ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. જેથી જીગર રાઠોડ દ્વારા પ્રવાહીમાં દીવાસળી સળગાવી ફેંકતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જે આગના બનાવમાં રોડની સાઈડમાં પાર્ક કરેલી swift કાર તેમજ બે મોટરસાયકલ સહિત ત્રણ વાહનો સળગી જતા 4,45,000 રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.
બનાવ સંદર્ભે સીસીટીવી ફૂટેજ બાબતે તપાસ કરતા સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા યમુના પેટ્રોલ પંપની પેટ્રોલની ટાંકીમાં વરસાદી પાણી મિશ્રિત થઈ ગયું હતું. જેથી પેટ્રોલ પંપના સંચાલક ધીરેન બારાઈ દ્વારા અનુપ તેમજ પપ્પુને પેટ્રોલ પંપની પેટ્રોલની ટાંકીઓ સાફ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જે ટાંકીઓ સાફ કરતા સમયે પાણી મિશ્રિત પેટ્રોલ જ્વલનશીલ હોવા છતાં તેનો જાહેર રોડ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે કે તેનો જાહેર રોડ ઉપર નિકાલ કરી ન શકાય. તેમજ જાહેર રોડ પર છોડવામાં આવે તો તેમાં આગ લાગે તેમ હોવા છતાં પાણી મિશ્રિત પેટ્રોલ જાહેર રોડ ઉપર છોડવામાં આવતા આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
Dwarka,Jamnagar,Gujarat
September 03, 2024 7:32 PM IST

