દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધન દ્વારા આયોજિત ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીમાં 20થી વધુ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જ્ઞાનેશ કુમારને આખરે તેમના પદ પરથી હટાવવામાં આવશે અને દેશદ્રોહના આરોપમાં જેલમાં મોકલવામાં આવશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, એકવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કાર્યવાહી થઈ જાય પછી વિરોધ પક્ષ વડાપ્રધાન મોદી અને અમિત શાહનો સામનો કરશે. તેમણે આરોપ લગાવ્યો કે આ લોકોએ દેશના આત્મા અને તેના લોકતંત્ર પર પ્રહાર કર્યો છે. જનમેદનીને સંબોધતા વિરોધ પક્ષના નેતાએ કહ્યું, “જનતાએ અહીં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ કોઈ એક રાજકીય પક્ષ કે નેતાનો અવાજ નથી. આ દેશના યુવાનો, ખેડૂતો અને મજૂરોનો અવાજ છે. આ અવાજ ઘોષણા કરે છે કે અમે બંધારણ અને લોકતંત્રને નષ્ટ થવા દઈશું નહીં.”
રાહુલ ગાંધીએ કહ્યું, “અમને મોદી, શાહ કે જ્ઞાનેશ કુમાર પ્રત્યે કોઈ નફરત નથી.” તેમણે આગળ કહ્યું, “જો તમે વિરોધ પક્ષ સાથે જોડાયેલા હોવ તો તમારે આ સમજવું જોઈએ. આ દેશ નફરત પર બનેલો નથી. અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમારને ધિક્કારતા નથી. અમે એવા લોકો છીએ જે પ્રેમ ફેલાવવા માંગીએ છીએ. અમે અહિંસાના સમર્થક છીએ, હિંસાના નહીં. જોકે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર તમે આ દેશના આત્મા, તેના બંધારણ અને તેના લોકતંત્ર પર પ્રહાર કર્યો છે. અમે આ સ્વીકારવા તૈયાર નથી. મારા માટે કોઈ દુશ્મન નથી. ન તો નરેન્દ્ર મોદી, ન અમિત શાહ, કે ન જ્ઞાનેશ કુમાર મારા દુશ્મન છે.”
રાહુલ ગાંધીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, તેમના માટે સૌથી મહત્વની બાબત ધર્મ કરતાં પણ વધુ મહત્વની ભારતના દરેક નાગરિકનો અવાજ છે. તેમણે કહ્યું, “જો તમે મને પૂછો કે મારો ધર્મ શું છે, તો મારો જવાબ હશે કે ભારતના દરેક નાગરિકનો અવાજ ઉઠે અને તે સાંભળવામાં આવે તે જ મારો ધર્મ છે. આ વાત દરેકને લાગુ પડે છે પછી ભલે તે નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, જ્ઞાનેશ કુમાર હોય કે પછી આરએસએસ (RSS)ના સભ્યો હોય. અમે તેમની સામે હિંસાનો આશરો નહીં લઈએ. અમે તેમને નુકસાન નહીં પહોંચાડીએ, તેમના પર હુમલો નહીં કરીએ અને નફરત નહીં ફેલાવીએ. તેના બદલે અમે પ્રેમથી વર્તીશું. જોકે અમે તમને બંધારણને નષ્ટ કરવા નહીં દઈએ. ગમે તે થાય અમે એવું થવા નહીં દઈએ. તમારા અને અમારા વચ્ચે આ જ તફાવત છે.”
‘અમારો ધર્મ શીખવે છે કે કોઈ દુશ્મન નથી હોતા’
રાહુલ ગાંધીએ કહ્યું, “અમારો ધર્મ શીખવે છે કે કોઈ દુશ્મન નથી હોતા. આપણે કોઈના પ્રત્યે નફરત રાખવી જોઈએ નહીં. આપણે દરેક પાસેથી શીખવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ અને દરેક વ્યક્તિના અવાજનું રક્ષણ કરવું જોઈએ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે હરોળમાં સૌથી છેલ્લે ઊભેલી વ્યક્તિનો અવાજ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને અમે પણ બરાબર એ જ વાત કહી રહ્યા છીએ. ભારતમાં હરોળમાં સૌથી છેલ્લે ઊભેલી વ્યક્તિના અવાજનું આપણે રક્ષણ કરવું જોઈએ પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, શીખ, આદિવાસી, દલિત, મહિલા કે દિવ્યાંગ વ્યક્તિ હોય.
આ પણ વાંચો: ‘જે દિવસે સિખોનો નરસંહાર થયો તે જ દિવસે રેલી…’, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર અમિત શાહના આકરા પ્રહારો
આપણે દરેકનું રક્ષણ કરવું જોઈએ અને નફરતને જડમૂળથી નાબૂદ કરવી જોઈએ. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસએ આખા દેશમાં નફરત ફેલાવી છે. અહીં એકત્ર થયેલી જનમેદની પોકારી રહી છે. અમને નફરત નથી જોઈતી, અમને પ્રેમ જોઈએ છે, ભાઈચારો જોઈએ છે અને દુશ્મનાવટ નથી જોઈતી. અમને પ્રેમ અને સ્નેહ પર આધારિત રાષ્ટ્ર જોઈએ છે. અમે એ જ હાંસલ કરીશું.”
