બોલીવુડની જાણીતી અભિનેત્રી નિમ્રત કૌરે શ્રાવણ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાત નજીક આવેલા દીવના પૌરાણિક શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરંપરાગત શ્વેત પોશાકમાં શિવલિંગની પૂજા-અર્ચના કરતા તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે.
તસવીરો શેર કરતા નિમ્રત કૌરે લખ્યું, “મહાદેવના દિવ્ય આશીર્વાદ આપણી તમામ મુશ્કેલીઓને દૂર કરે અને આપણને અંદરથી મજબૂત બનાવે. સૌને શ્રાવણ શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. નમઃ પાર્વતીપતયે હર હર મહાદેવ.” દરિયાકિનારે આવેલા પાંડવકાલીન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં નિમ્રત કૌરની આ શ્રદ્ધાપૂર્વકની મુલાકાત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, દીવના દરિયાકિનારે પાંડવકાલિન ‘ગંગેશ્વર મહાદેવ’નું શિવાલય આવેલું છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવલિંગ છે, તેથી આ મંદિરને ֥‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને ‘દરિયાકિનારાના મંદિર’ તરીકે પણ સ્થાનિક લોકો ઓળખાવે છે.
શું છે પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, વનવાસ દરમિયાન પાંચેય પાંડવો અહીં આવ્યા હતા અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ પાંડવોને દેવાતીદેવ મહાદેવે દર્શન આપ્યા અને સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા. પાંડવોએ અમાસની રાતના દિવસે અહીં સ્વયંભૂ શિવલિંગ પર પૂજા કરી હતી. ત્યારથી આ મંદિરમાં પાંચ શિવલિંગની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો: માત્ર એક જ પિલર પર ટકેલું છે આ રહસ્યમય શિવ મંદિર, ‘કળયુગી સ્તંભ’ સાથે દુનિયાના અંતની દંતકથા
સમુદ્રદેવ દિવસભર કરે છે જળાભિષેક
આ મંદિર સમુદ્રકિનારે આવેલું છે. ત્યારે દિવસભર સમુદ્રદેવ મહાદેવનો જળાભિષેક કરતા હોય છે. આ નજારો ખૂબ જ મનોરમ્ય હોય છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ પણ છે. આ મંદિરની આસપાસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે, જ્યારે પણ કોઈ આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સમુદ્રનાં મોજાંઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે.
અરબી સમુદ્રના કિનારે આવેલા આ મંદિરનું નામ ગંગેશ્વર રાખવામાં આવ્યું છે. કારણ કે, ભગવાન શિવનું એક નામ ‘ગંગેશ્વર’ છે. માતા ગંગાને જટામાં ધારણ કરતાં જ તેમને ‘ગંગેશ્વર’ કહેવાયા હતા. તે નામ પરથી આ મંદિરને ‘ગંગેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે.
