Final Up to date:
RTE Information: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ કોઈ કારણસર અટકી ન જાય તે માટે સુરતમાં એક સંસ્થા મિશન તરીકે કાર્ય કરી રહી છે. બાળકોને માત્ર આરટીઇ અંગે માહિતી આપવી જ નહીં પરંતુ તેમના માટે નિઃશુલ્ક ફોર્મ ભરાવવાથી લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવામાં સહાય અને એડમિશન બાદ પણ સતત માર્ગદર્શન આપવાનું મહત્વપૂર્ણ કામ કરે છે.
સુરત: બાળકો શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચે અને ભવિષ્ય બનાવી શકે તે અંગે અનેક સંસ્થાઓ કાર્યરત છે પરંતુ આ વચ્ચે સુરતમાં એક એવી સંસ્થા છે જે બાળકોને આરટીઇ અંગે માત્ર માહિતગાર કરવાનું જ નહીં પરંતુ નિઃશુલ્ક ફોર્મ ભરી આપવાનું કાર્ય પણ કરે છે. બાળકોના શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત અને ICDS વિભાગ સાથે સંકલન કરીને રાઈટ વોક ફાઉન્ડેશન છેલ્લા ચાર વર્ષથી સતત કાર્યરત છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંગે લોકોમાં જાગૃતિ લાવવી, જરૂરિયાતમંદ બાળકોના નિઃશુલ્ક ફોર્મ ભરાવવા અને તેમના ભવિષ્યને મજબૂત બનાવવા માટે સંસ્થા મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
સંસ્થા દ્વારા માત્ર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ બાળકોના વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવામાં માર્ગદર્શન, એડમિશન પછી બાળકો ડ્રોપઆઉટ ન થાય તે માટે સતત કાઉન્સેલિંગ અને શૈક્ષણિક સહાય જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લગભગ 150થી વધુ સેન્ટરો સાથે જોડાઈને સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

મોટાભાગના વાલીઓને RTE વિશે પૂરતી જાણકારી હોતી નથી જેના કારણે ક્યાં તો તેઓ ફોર્મ ભરી શકતા નથી અથવા તો ડોક્યુમેન્ટના અભાવે તેમના બાળકનું એડમિશન આરટીઇ હેઠળ થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં આ સંસ્થા દ્વારા ડોર-ટુ-ડોર મુલાકાતો કરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્ષ 2023થી આ અભિયાનને વધુ ગતિ મળી અને ધીમે ધીમે લોકોમાં જાગૃતિ વધતી ગઈ. આ પહેલના પરિણામે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 24 હજારથી વધુ RTE ફોર્મ નિઃશુલ્ક ભરવામાં આવ્યા છે, જેમાંથી 20 હજારથી વધુ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે.
આ અંગે સંસ્થાની વોલેન્ટિયર સુચિત્રા નંદને જણાવ્યું હતું કે, હું આ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છું. છેલ્લા 3-4 વર્ષથી હું દક્ષિણ ગુજરાતમાં RTE માટે કામ કરું છું. મોટાભાગના વાલીઓને આરટીઇ વિશે જાગૃત કરવા, RTE વિશે જણાવવા, RTE માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે અંગે માહિતગાર કરું છું. વર્ષ 2023 થી આ કાર્ય કરી રહી છું. એ સમયે લોકો RTE વિશે જાણતા ન હતા. જેથી હું ડોર ટુ ડોર વિઝીટ કરતી હતી.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ ધીરે-ધીરે અમારા ફાઉન્ડેશન થકી અમે આંગણવાડીની સાથે કોર્ડીનેશન કર્યું. તેની સાથે સાથે એવા એનજીઓ કે જે આરટીઇ માટે કામ કરે છે તેમની સાથે કોલોબ્રેશન કરીને સાથે કામ કર્યું છે અને આ કામ આજે પણ ચાલુ જ છે. હું 5 જિલ્લામાં કામ કરું છું. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ સારોમાં જઈને ત્યાંના લોકોને સમજાવ્યા છે. ખાસ કરીને માતાપિતાને RTE વિશે જે ડોક્યુમેન્ટની જરૂર છે તે તૈયાર કરાવવાના અને તેમના ફોર્મ ભરવાનું કામ કરીએ છીએ. આ ફોર્મ અમે જાતે ભરીએ છીએ અને તે નિઃશુલ્ક ભરીએ છીએ.
તેમણે સુરત અને ગુજરાતમાં ભણી રહેલા બાળકો વિશે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અમારા દ્વારા અત્યાર સુધીમાં 24 હજારથી વધુ ફોર્મ નિઃશુલ્ક ભરવામાં આવ્યા છે. જેમાંથી 20,000 થી વધુ બાળકો હાલ ભણી રહ્યા છે. જ્યારે ગુજરાત લેવલે એક મિલિયન કરતાં પણ વધુ ફોર્મ નિઃશુલ્ક ભરવામાં આવ્યા છે.
