Bhopal Scholarship Rip-off: ભોપાલ સ્કોલરશિપ કૌભાંડે ફરી એકવાર શિક્ષણ જગતને હચમચાવ્યું છે. MBA વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલી ₹99.48 લાખની સરકારી સ્કોલરશિપ ગપચાવી દેવામાં આવી છે. આ રકમ વિદ્યાર્થીઓની જાણ વિના ખોલાયેલા બેંક ખાતાઓ મારફતે ગેરરીતે ઉપાડી લેવામાં આવી હોવાનો CBIની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં જે અરજી પણ ન કરી હોય એવા વિદ્યાર્થીઓના નામે પણ સ્કોલરશિપ ચાઉં કરી છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસમાં ભોપાલમાં થયેલા એક કથિત સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં એમબીએ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી સરકારી શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓની જાણ વગર ખોલાયેલા બેંક ખાતાઓ મારફતે અન્યત્ર વાળી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
એજન્સીએ યુકો બેંકની હબીબગંજ શાખાના તત્કાલીન સિનિયર મેનેજર અને એકેડેમી ઑફ મેનેજમેન્ટ કોલેજ સાથે જોડાયેલા પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2021 દરમિયાન લગભગ 99.48 લાખ રૂપિયાની સરકારી સ્કોલરશિપ ગેરરીતે ઉપાડી લેવામાં આવી હતી.
ભોપાલના અવધપુરી વિસ્તારમાં આવેલી આ ખાનગી સ્વનિર્ભર બિઝનેસ સ્કૂલની સ્થાપના 2009માં થઈ હતી. તે અખિલ ભારતીય તકનિકી શિક્ષણ પરિષદથી માન્ય છે અને બરકતુલ્લાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. સંસ્થા લાલા રામ રાખા માલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને બે વર્ષનો એમબીએ અભ્યાસક્રમ ચલાવે છે.
118 ખાતાઓમાં ગડબડી, ફરિયાદથી ફુટ્યો ભાંડો
આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુકો બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અને ઝોનલ હેડ લોકેશ કુમારે હબીબગંજ શાખામાં ખોલાયેલા 118 બેંક ખાતાઓના સંચાલનમાં ગેરરીતિની ફરિયાદ કરી. ફરિયાદના આધારે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી તો ગેરરીતિ થયાનું પ્રકાશમાં આવ્યું.
એફઆઈઆર અનુસાર, આ ખાતાઓ એમબીએ વિદ્યાર્થીઓના નામે તેમની જાણ કે સંમતિ વિના ખોલવામાં આવ્યા હતા. બાદમાં સરકારી શિષ્યવૃત્તિની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી અને લાભાર્થીઓને તેની ખબર પડે તે પહેલાં જ ઉપાડી લેવામાં આવી.
આ પણ વાંચો: ભારતીય રેલવેના AC કોચમાંથી 1.27 બેડશીટ અને ઓશિકા ચોરાયા
એફઆઈઆરમાં જણાવાયું છે કે, 1 જાન્યુઆરી 2020થી 31 ઓક્ટોબર 2021 દરમિયાન યુકો બેંકની હબીબગંજ શાખામાં 118 છેતરપિંડીભર્યા ખાતાઓ ખોલવામાં આવ્યા અને તેમાં સરકાર દ્વારા આપવામાં આવેલી 99.48 લાખ રૂપિયાની સ્કોલરશિપ જમા કરવામાં આવી, જે અજાણ્યા લોકોએ ગેરકાયદેસર રીતે ઉપાડી લીધી.
મોબાઇલ નંબર અને એટીએમ કાર્ડ પર કબજો
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, ખાતા ખૂલતા જ કોલેજ સ્ટાફ દ્વાર તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવતું હતું. એફઆઈઆર અનુસાર, કોલેજના અધિકારીઓએ ખાતા ખોલાવ્યા, તેમાં પોતાનાં અથવા સહયોગીઓનાં મોબાઇલ નંબર જોડાવ્યા, એટીએમ કાર્ડ પોતાના કબજામાં લીધા અને ત્યારબાદ સ્કોલરશિપની રકમ ઉપાડી લીધી.
સીબીઆઈએ કુલ છ આરોપીઓના નામ નોંધ્યા છે, જેમાં હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર પ્રેમા વર્માનો સમાવેશ થાય છે. અન્ય આરોપીઓમાં કોલેજના ડિરેક્ટર વિનય મલ્હોત્રા, પ્રોફેસર આદિત્ય મલ્હોત્રા, સહાયક પ્રોફેસર મનોજ જૈન, વિનિશ મેશ્રામ અને તે સમયે કોલેજમાં કાર્યરત રામસિંહ વર્માનો સમાવેશ થાય છે. એફઆઈઆરમાં “અન્ય અજાણ્યા લોકો”નો પણ ઉલ્લેખ છે.
CBI એ આ છ લોકો સામે ગુનો નોંધ્યો
- પ્રેમા વર્મા – તત્કાલિન સિનિયર મેનેજર હબીબગંજ શાખા
- વિનય મલ્હોત્રા – ડિરેક્ટર કોલેજ
- આદિત્ય મલ્હોત્રા – પ્રોફેસર
- મનોજ જૈન – સહાયક પ્રોફેસર
- વિનિશ મેશ્રામ – કોલેજ સ્ટાફ
- રામસિંહ વર્મા – કોલેજ સ્ટાફ
- અન્ય અજાણ્યા લોકો
ડિરેક્ટરનો દાવો: બેંક અધિકારીઓ પણ સંડોવાયેલા
બહુચર્ચિત આ મામલે સંપર્ક કરતાં કોલેજ ડિરેક્ટર વિનય મલ્હોત્રાએ કહ્યું, આમાં બેંક અધિકારીઓ પણ સંડોવાયેલા હતા અને સીબીઆઈની તપાસમાં હવે મારું નામ આવ્યું છે. જ્યારે આ મામલે સંપર્ક કરતાં અન્ય આરોપીઓએ હજુ સુધી આક્ષેપો પર કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
આ પણ વાંચો: અમેરિકા લોરેન્સ બિશ્નોઈ માંગે તો ભારત શું કરી શકે? જાણો ભારત અમેરિકા પ્રત્યાર્પણ કાયદો શું કહે છે
કોલેજના પ્રતિનિધિએ જણાવ્યું કે આ મામલો બેંકના પ્રતિનિધિઓ વચ્ચેનો છે અને તેમાં કોલેજ પ્રશાસનને ખેંચવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર સ્કોલરશિપ યોજનામાં કોઈ ગેરરીતિ નથી અને કોલેજ પ્રશાસન તપાસમાં સહકાર આપી રહ્યું છે.
કેવી રીતે ચાલ્યું કથિત કૌભાંડ?
એફઆઈઆર મુજબ, ખાતા ખોલવાના ફોર્મ નકલી સહી અને ખોટી વ્યક્તિગત વિગતો સાથે તૈયાર કરવામાં આવ્યા હતા. ફરજિયાત KYC ચકાસણી પણ ટાળી દેવામાં આવી હતી.
અરજી સાથે જોડાયેલા દસ્તાવેજો, જેમાં કોલેજ દ્વારા જારી કરાયેલા હોવાનું દર્શાવાતા બોનાફાઇડ પ્રમાણપત્રો પણ હતા, તપાસ દરમિયાન બનાવટી હોવાનું બહાર આવ્યું.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને ડેબિટ કાર્ડ આપવાને બદલે તે એક જ વ્યક્તિ રામસિંહને સોંપવામાં આવ્યા હતા, તે પણ ખાતાધારકોની કોઈ લેખિત મંજૂરી વિના. પોતાના મોબાઇલ નંબર ખાતાઓ સાથે જોડવાના કારણે આરોપીઓને OTP મળતા અને રકમ જમા થતાં જ તે ઉપાડી શકાતી હતી.
પૂર્વ મેનેજર સામે ગંભીર આક્ષેપ
સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે હબીબગંજ શાખાના તત્કાલીન સિનિયર મેનેજર પ્રેમા વર્માએ બેંકિંગ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હોવા છતાં ખાતાઓનું સંચાલન સરળ બનાવ્યું. ખાતા ખોલવા, KYC ચકાસણી, સિસ્ટમ તપાસ અને એટીએમ જારી કરવાની પ્રક્રિયામાં તેમણે ગંભીર ઉલ્લંઘન કર્યું અને કોલેજ અધિકારીઓ સાથે મળીને કથિત ગુનાહિત ષડયંત્ર રચ્યું.
તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ પુરાવા મળ્યા છે કે નકલી દસ્તાવેજો અને છેતરપિંડીયુક્ત બેંકિંગ પ્રક્રિયા દ્વારા સ્કોલરશિપની રકમ હડપ કરવામાં આવી હતી અને બેંક અધિકારીઓએ ફરજિયાત પ્રક્રિયાઓ અવગણી દરેક તબક્કે સહાય કરી હતી.
કયા ગુનાઓ હેઠળ કેસ નોંધાયો?
સીબીઆઈએ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના અને તેનો ઉપયોગ કરવાના ગુનાઓ દાખલ કર્યા છે. સાથે સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી વિવાદ : શું આ મામલો યુપીની રાજનીતિ બદલી નાખશે, ભાજપ માટે શું છે દાવ પર?
તપાસ ભોપાલ સ્થિત સીબીઆઈની એન્ટી-કરપ્શન બ્રાન્ચના ઇન્સ્પેક્ટર નાઝિમ ખાનને સોંપવામાં આવી છે. હવે તપાસમાં એ પણ જોવામાં આવશે કે સ્કોલરશિપની રકમ અન્ય કોઈએ પણ વાળી લીધી હતી કે નહીં અને શું આવી જ રીત અન્ય ખાતાઓમાં પણ અપનાવવામાં આવી હતી.
