World Desertification and Drought Day 2026: વિશ્વ રણીકરણ અને દૂષ્કાળ દિવસ દર વર્ષે 17 જૂને દુનિયાભરમાં ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતું જમીનમાં ઘટી રહેલા પાણીના સ્તર, રણીકરણ અને દુષ્કાળ જેવા ગંભીર પર્યાવરણીય પડકારો વિશે લોકોને જાગૃત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1994માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તે વિશ્વભરમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ અભિયાન બની ગયું છે.
World Desertification and Drought Day 2026 Theme
વિશ્વ રણીકરણ અને દૂષ્કાળ દિવસના 2026 માટેની થીમ ‘રેન્જ લેન્ડ્સ: રેકગ્નિઝ, રિસ્પેક્ટ અને રિસ્ટોર છે. એટલે કે ઘાસના મેદાનો અને ગોચરોને ઓળખો, તેનું સમ્માન કરો અને પુનઃસ્થાપિત કરો. આ ક્ષેત્રો માત્ર જૈવવિવિધતાને જ બચાવતા નથી પરંતુ ખાદ્ય સુરક્ષા, જળ સંરક્ષણ અને આબોહવા સંતુલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
રણીકરણ શું છે?
જ્યારે ફળદ્રુપ જમીન ધીમે ધીમે તેની ઉત્પાદકતા ગુમાવે છે અને ઉજ્જડ બનવા લાગે છે, ત્યારે આ પ્રક્રિયાને રણીકરણ કહેવામાં આવે છે. વધુ પડતા વૃક્ષો કાપવા, જળવાયુ પરિવર્તન, આડેધડ ખેતી, પાણીનું વધુ પડતું દોહન અને ખોટી જમીન વ્યવસ્થાપન આના મુખ્ય કારણો છે. આજે, વિશ્વના લગભગ અડધા ગોચર વિસ્તારો અધોગતિનો સામનો કરી રહ્યા છે, જે ખાદ્ય ઉત્પાદન, પાણીના સ્ત્રોતો અને લાખો લોકોની આજીવિકાને અસર કરે છે.
ભારતના પ્રયાસો
ભારત 1996થી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (યુએનસીસીડી)નું સભ્ય છે. દેશે વર્ષ 2030 સુધીમાં લાખો હેક્ટર ક્ષતિગ્રસ્ત જમીનને પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત ગ્રીન ઈન્ડિયા મિશન, નેશનલ ફોરેસ્ટેશન પ્રોગ્રામ, સીએએમપીએ, ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને મેન્ગ્રોવ કન્ઝર્વેશન જેવી ઘણી યોજનાઓ જમીન સંરક્ષણ તરફ કામ કરી રહી છે. જો કે, માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી. સામાન્ય નાગરિકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.
સામાન્ય લોકો પરિવર્તન કેવી રીતે લાવી શકે છે?
1. વધુ વૃક્ષો
વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, ભૂગર્ભજળના સ્તરને જાળવવામાં મદદ કરે છે અને હવા માંથી કાર્બન ડાયોકસાઇડ શોષીને જળવાયુ પરિવર્તનની અસરને ઘટાડે છે. તમારા ઘર, શાળા, ઓફિસ અથવા સામુદાયિક વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનો.
2. પાણી બચાવો:
દુષ્કાળની સમસ્યાનો સામનો કરવા માટે જળ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરો, બિનજરૂરી પાણીનો વપરાશ ઘટાડો, અને લીક થયેલી પાણીની પાઇપ અને નળનું તાત્કાલિક રિપેરિંગ કરાવો.
3. સ્થાનિક અને ટકાઉ ઉત્પાદનોને પ્રાથમિતા આપો
એવી પ્રોડક્ટ પસંદ કરો જેમા ઓછા પાણી અને ઓછા કુદરતી સંસાધનોનો ઉપયોગ થયો હોય. સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદી કરવી પણ પર્યાવરણ માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.
4. જમીનને સ્વસ્થ રાખવામાં યોગદાન આપો
ઘરોમાં રસોડાના કચરામાંથી જૈવિક ખાતર બનાવો. રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવાથી જમીનની ગુણવત્તા વધુ સારી થાય છે.
5. હરિયાળીમાં વધારો કરતી સમુદાય અભિયાનમાં જોડાઓ
સ્થાનિક બગીચા, તળાવો, જંગલો અને ખુલ્લા વિસ્તારોના સંરક્ષણ માટેના અભિયાનમાં ભાગ લો. સામૂહિક પ્રયાસોની અસર વધુ વ્યાપક હોય છે.
6. ખોરાકનો બગાડ અટકાવો
ખાદ્યાન્ન ઉત્પાદનમાં જમીન, પાણી અને ઊર્જાનો ઉપયોગ થાય છે. ખોરાકનો બગાડ ઘટાડીને, આપણે આડકતરી રીતે કુદરતી સંસાધનો પરનું દબાણ ઘટાડી શકીએ છીએ.
7. પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવો
સોશિયલ મીડિયા, શાળાઓ અને સમુદાયો દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવી, લોકોને જમીન સંરક્ષણ અને જળ સંરક્ષણના મહત્વ વિશે જાગૃત કરો. નાની નાની વિગતો પણ મોટા પરિવર્તનની શરૂઆત બની શકે છે.
આપણી ભાગીદારી શા માટે મહત્વપૂર્ણ છે?
જમીન એ માત્ર ખેતીનું સાધન નથી, પરંતુ તે લાખો લોકોની ખોરાક, પાણી, જૈવવિવિધતા અને આજીવિકાનો આધાર છે. જો જમીનનું ધોવાણ અને રણીકરણની સમસ્યા ચાલુ રહેશે, તો ભવિષ્યમાં ખોરાક અને પાણીની કટોકટી વધુ ગંભીર બની શકે છે.
