અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસના આગમનની જાણ થતાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા કુખ્યાત આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ દારૂના નશામાં હતો અને તેના રહેઠાણ નજીક પડોશીઓ સાથે ઉગ્ર બોલાચાલી તથા ઝઘડો કરી રહ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતાં બોપલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ હતી. જોકે પોલીસ આવે તે પહેલાં જ મહાવીરસિંહે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાગવાના પ્રયાસ દરમિયાન મહાવીરસિંહ સિંધવ બિલ્ડિંગના ચોથા માળેથી અચાનક લપસી ગયો હતો. ઊંચાઈ પરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભયાનક રોડ અકસ્માત, સગાઈ સમારોહમાં જઈ રહેલા ગુજરાતના 5 લોકોના મોત
ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહાવીરસિંહ સિંધવ સામે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન સહિતના પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી.
