US-Israel vs Iran Conflict Information Updates : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન વાતચીત કરવા માંગે છે. બીજી તરફ ઇરાને આ દાવાને ફગાવી દીધો છે. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ શનિવારે આ દાવાઓને સાવ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ઈરાન પાંચ વર્ષ સુધી યુદ્ધ ચાલુ રાખવા તૈયાર છે. એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇલાહીએ એ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો કે ઈરાન અત્યારે અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે.
ઇલાહીએ કહ્યું કે અમેરિકાએ જ વાતચીતની વચ્ચે ઈરાનને નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈરાન આ સમયે તેમની સાથે વાતચીત કરવા માંગતું નથી, કારણ કે તેઓએ આ યુદ્ધ શરૂ કર્યું હતું અને અમને તેમની સાથેનો અનુભવ છે. બે વાર અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેઓએ અમારા પર હુમલો કર્યો. તેઓએ અમને નિશાન બનાવ્યા.
ઈરાન પોતાના દુશ્મનો સામે ઝૂકશે નહીં: ઇલાહી
ઇલાહીએ કહ્યું કે ઇરાન તેના દુશ્મનો સામે ઝૂકશે નહીં અને જો જરૂર પડી તો લાંબા સમય સુધી સંઘર્ષ માટે તૈયાર છીએ. ઈરાન અને ઈરાક વચ્ચેના સંઘર્ષનું ઉદાહરણ આપતાં ઇલાહીએ કહ્યું કે ઈરાનને લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાનો અનુભવ છે. મને આ યુદ્ધ માટે કોઈ સમયમર્યાદા ખબર નથી. પરંતુ હું એટલું જ જાણું છું કે ઇરાન આ યુદ્ધને અંત સુધી ચાલુ રાખવા માટે તૈયાર છે, પાંચ વર્ષ સુધી પણ. અમને યુદ્ધનો અનુભવ છે.
તેમણે કહ્યું કે અમારી પાસે ઇરાન અને ઇરાક વચ્ચેના યુદ્ધમાં આઠ વર્ષનો અનુભવ હતો. અમે તૈયાર છીએ. જો તમે ઈરાનના રસ્તામાં પર જાઓ છો તો તમે જોશો કે બધા લોકો ત્યાં છે અને તેઓ બદલો લેવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે અમે અમારું લોહી વહાવવા તૈયાર છીએ પરંતુ અમે અમારી જમીન છોડવા તૈયાર નથી.
આ પણ વાંચો – ભારત માટે રાહતના સમાચાર, LPG લઇને બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત બહાર નીકળ્યા
ઇલાહીએ એમ પણ કહ્યું હતું કે ઇરાને આ ક્ષેત્રમાં તણાવ વધતા રોકવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો છે અને પડોશી દેશોને મધ્ય પૂર્વમાં સંઘર્ષ રોકવામાં મદદ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા ન હતા. ઘણી વખત અમે આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો. અમે અમારા પડોશીઓને પણ કહ્યું હતું કે તેઓએ આ યુદ્ધ ક્ષેત્રથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આ વિસ્તાર વધુ યુદ્ધ કરી શકે તેમ નથી.
ઈરાન પાસે પોતાનો બચાવ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી
ઇલાહીએ ચાલી રહેલા સંઘર્ષ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ સંઘર્ષ માત્ર ઈરાનના લોકોને જ અસર કરી રહ્યો નથી, પરંતુ વૈશ્વિક ચિંતાનો વિષય પણ બની ગયો છે. તેમણે ઊર્જાના વધતા ભાવો અને વ્યાપક આર્થિક પ્રભાવોનો હવાલો આપ્યો હતો. ઇલાહીએ હોર્મુઝની સ્ટ્રેટના વ્યૂહાત્મક મહત્વ તરફ ધ્યાન દોર્યું, જે વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ખલેલ પહોંચાડવાના કારણે ગેસ, પેટ્રોલ અને તેલની અછતને કારણે ઘણા દેશો પ્રભાવિત થઈ રહ્યા છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન પાસે પોતાનો બચાવ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ઇલાહીએ કહ્યું કે આ સંકટ માત્ર ઈરાન માટે જ નથી, પરંતુ તે વૈશ્વિક સંકટ છે. તેઓએ આ યુદ્ધ અમારા પર થોપ્યું છે અને અમારે પોતાનો બચાવ કરવો જ પડશે. અમે પોતાની ગરિમા, પોતાની સ્વતંત્રતા અને પોતાના દેશ માટે અમારું લોહી વહાવવા તૈયાર છીએ. અમે અન્ય લોકોની પીડા (ગેસનો અભાવ, પેટ્રોલનો અભાવ, તેલનો અભાવ) થી ખુશ નથી. પરંતુ આપણે પોતાનો બચાવ કરવો પડશે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે વિશ્વના નેતાઓને યુએસ પર યુદ્ધ રોકવા દબાણ કરવા વિનંતી કરી.
