પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેમણે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ₹18,680 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિ તેમની સાથે સ્ટેજ પર હાજર રહ્યા હતા.
બંગાળની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું- બંગાળમાં હિન્દુઓને અલ્પસંખ્યક બનાવવામાં આવી રહ્યા છે. હવે બંગાળમાંથી નિર્દય સરકારનો અંત આવીને જ રહેશે. હવે બંગાળમાંથી મહાજંગલરાજનો ખાતમો થશે. કાલે ટીએમસીએ આ રેલીમાં આવનારા આપ સૌ લોકોને ‘ચોર’ કહીને ગાળો આપી છે, અસલી ચોર કોણ છે તે બંગાળની બુદ્ધિશાળી જનતા જાણે છે. પોતાની ખુરશી જતી જોઈને અહીંની નિર્દય સરકાર નમાલી થઈ ગઈ છે. તે કેન્દ્ર સરકારની યોજનાઓ રોકી રહી છે. તેમને એક પૈસો નથી આપવો, છતાં નથી ઈચ્છતી કે કેન્દ્રની યોજનાઓનો લાભ બંગાળના લોકોને મળે.
પીએમ મોદીએ કહ્યું, આ ટીએમસી સરકાર પોતાની સ્વાર્થી રાજનીતિને કારણે અહીં આયુષ્માન ભારત યોજનાને પણ લાગુ કરી રહી નથી. દેશભરના કરોડો લોકો આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લઈ રહ્યા છે. આ લાભ આપ સૌને પણ મળવો જોઈએ, પરંતુ બંગાળના પરિવારોને આ યોજનાના અધિકારથી પણ ટીએમસી સરકારે વંચિત રાખ્યા છે.
પીએમ મોદીએ કહ્યું- આપ સૌએ દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સફળતા વિશે સાંભળ્યું છે. ગરીબ પરિવારોને પાકું ઘર મળી રહ્યું છે, પરંતુ અહીં શું થયું? યોજનાનું નામ બદલી દેવામાં આવ્યું, લાભાર્થીઓની યાદીમાં ગરબડ કરવામાં આવી અને જે ગરીબોને ઘર મળવાનું હતું તેઓ આજે પણ રાહ જોઈ રહ્યા છે. માત્ર વીજળી, પાણી, રસ્તા, ઘરની વાત નથી, ટીએમસી સરકાર પોતાની રાજનીતિને કારણે આયુષ્માન યોજનાને પણ લાગુ કરી રહી નથી.
PM મોદી સાથે ભાજપના કાર્યકરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે પણ આ વિશાળ સભાને રોકવા માટે નિર્દય સરકારે બધા હથિયાર કાઢી લીધા. આપ લોકોને આવતા રોકવા માટે બ્રિજ બંધ કરાવી દીધા, ગાડીઓ રોકાવી દીધી, ટ્રાફિક જામ કરાવ્યો, ભાજપના ઝંડા ઉખડાવી દીધા, પોસ્ટર કઢાવી નાખ્યા, પણ નિર્દય સરકાર સાફ-સાફ જોઈ લો- આજના જનસૈલાબને રોકી શકી નથી. બંગાળમાં મહાજંગલરાજ લાવનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તે દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં ફરીથી કાયદાનું રાજ હશે. પીએમ મોદીએ કહ્યું હવે બંગાળનો વિકાસ નેક નિયતથી થશે, સાચી નીતિઓથી થશે, બંગાળમાં અત્યારે અમારી સરકાર નથી પણ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ બંગાળના વિકાસમાં લાગેલી છે. અત્યારે અમે 18 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું- બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ સાક્ષી છે , જ્યારે-જ્યારે બંગાળ દેશને દિશા આપે છે, ત્યારે આ બ્રિગેડ મેદાન બંગાળનો અવાજ બને છે. આ મેદાનથી અંગ્રેજી હૂકુમત વિરુદ્ધ ઉઠેલો અવાજ હિન્દુસ્તાનમાં ક્રાંતિ બની ગયો હતો અને તેનું પરિણામ શું આવ્યું, અંગ્રેજોના અત્યાચાર અને લૂંટનો ખાતમો થયો. આજે અહીંથી નવા બંગાળની ક્રાંતિનો બ્યૂગલ વાગી ગયો છે. બંગાળમાં બદલાવ હવે દીવાલો પર પણ લખાઈ ચૂક્યો છે અને બંગાળના લોકોના દિલોમાં પણ છપાઈ ચૂક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અહીંની નિર્દય સરકારે બંગાળના યુવાનોને પલાયનનો અભિશાપ આપ્યો છે. બંગાળના યુવા પ્રતિભામાં સૌથી આગળ છે, મહેનતમાં સૌથી આગળ છે, પરંતુ આજે હાલત શું છે? અહીંનો યુવા ન ડિગ્રી લઈ રહ્યો છે અને ન તો તેને રોજગાર મળી રહ્યો છે. પહેલા કોંગ્રેસ, પછી કમ્યુનિસ્ટ અને હવે ટીએમસી, આ લોકો એક પછી એક આવતા રહ્યા, પોતાના ખીસ્સા ભરતા રહ્યા અને બંગાળમાં વિકાસ કાર્ય ઠપ રહ્યા. ટીએમસી સરકારમાં નોકરીઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, ભરતીઓમાં કૌભાંડો થઈ રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે હાલત બદલાય.
PM મોદીની સભામાં હજારો લોકો આવ્યા.
જાણો પીએમ મોદીએ બીજું શું કહ્યું…
ભાજપ અને NDA સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ: અહીંની નિર્દય સરકારને જેટલું જોર લગાવવું હોય એટલું લગાવી લે, પરિવર્તનના આ વાવાઝોડાને તે હવે રોકી શકશે નહીં. ભાજપ અને એનડીએ સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઋષિ બંકિમચંદ્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવી તમામ મહાન વિભૂતિઓએ જે બંગાળની કલ્પના કરી હતી. ભાજપની સરકાર તે બંગાળનું નિર્માણ કરશે, નવનિર્માણ કરશે.
પલાયન કરવું મજબૂરી બન્યું: એક સમયે બંગાળ આખા ભારતને ગતિ આપતું હતું, બંગાળ વ્યાપાર અને ઉદ્યોગોમાં સૌથી આગળ હતું, પરંતુ આજે અહીંનો યુવા ન ડિગ્રી લઈ રહ્યો છે અને ન તો તેને રોજગાર મળી રહ્યો છે. તમારા દીકરા-દીકરીઓને કામની શોધમાં બીજા રાજ્યોમાં જવું પડે છે.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુનો મુદ્દો ઉઠાવ્યો: પીએમ મોદીએ કહ્યું- રાષ્ટ્રપતિ બંગાળ આવ્યા હતા, પણ અહંકારમાં ડૂબેલી આ નિર્દય સરકારે માત્ર કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. એક આદિવાસી દીકરી આટલા મોટા પદ પર છે એ એમનાથી જોવાયું નહીં. ટીએમસીવાળાને એ યાદ રાખવું પડશે કે તેમણે માત્ર દ્રૌપદી મુર્મુજીનું અપમાન નથી કર્યું, દેશના બંધારણનું અપમાન કર્યું છે. તેનો જવાબ નિર્દય સરકારને મળવાનો છે.
અહીં વીજળી બિલ ઝીરો કેમ નથી આવતું: પીએમ મોદીએ કહ્યું- દેશવાસીઓને મફત વીજળી આપવા માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. કેન્દ્રની ભાજપ સરકાર આ માટે દરેક લાભાર્થીને 75 થી 80 હજાર રૂપિયા આપે છે. જે લાભાર્થી આ યોજનાથી જોડાય છે, તેના ઘરનું વીજળી બિલ ઝીરો થઈ જાય છે, પરંતુ બંગાળ સરકાર તેને પણ લાગુ થવા દઈ રહી નથી. આ ટીએમસી સરકાર પોતાની સ્વાર્થી રાજનીતિને કારણે અહીં આયુષ્માન ભારત યોજનાને પણ લાગુ કરી રહી નથી. દેશભરના કરોડો લોકો આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લઈ રહ્યા છે. આ લાભ આપ સૌને પણ મળવો જોઈએ, પરંતુ બંગાળના પરિવારોને આ યોજનાના અધિકારથી પણ ટીએમસી સરકારે વંચિત રાખ્યા છે.
ટીએમસીએ લેફ્ટના ગુંડાઓ અને માફિયાઓને જ પોતાની પાર્ટીમાં ભરતી કરી લીધા: પીએમ મોદીએ કહ્યું- અમારા બંગાળે આઝાદી પછી વિભાજન સહ્યું, મઝહબી દંગા જોયા, પછીના દશકોમાં અસ્થિરતા જોઈ, ઘૂસણખોરીનો સમય જોયો, રક્તપાત સહ્યો. આ બધાની સૌથી મોટી ભોગ બંગાળની માતાઓ-બહેનો, દીકરીઓ અને બંગાળની મહિલાઓ હતી. લેફ્ટની સરકારમાં અપહરણ, હત્યા અને બળાત્કારનો તે દોર કોઈ ભૂલી શકતું નથી. તેથી આપ લોકો મોટી આશા સાથે લેફ્ટને હટાવીને ટીએમસીને લઈને આવ્યા. પરંતુ ટીએમસીએ લેફ્ટના ગુંડાઓ અને માફિયાઓને જ પોતાની પાર્ટીમાં ભરતી કરી લીધા. આજે બંગાળમાં અપરાધીઓને ખુલ્લી છૂટ છે. મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હૃદયદ્રાવક ગુનાઓ લગભગ દરરોજ બને છે. બંગાળનો કોઈ પણ ભાગ આવી ઘટનાઓથી અસ્પૃશ્ય નથી. રોજ-બરોજ બહેન-દીકરીઓ વિરુદ્ધ દિલ હલાવી દે તેવા અપરાધ થાય છે. બંગાળનો કોઈ પણ વિસ્તાર આવી ઘટનાઓથી બાકી નથી.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. PM મોદીની રેલી પહેલા જ BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના સમર્થકો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવભર્યો વાતાવરણ જોવા મળ્યો હતો. BJPએ આરોપ મૂક્યો હતો કે TMC કાર્યકરોએ તેમના સમર્થકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર, જ્યારે BJP કાર્યકરો બ્રિગેડ મેદાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અટકાવ્યા અને બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો હતો. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારીને જવાબ આપ્યો છે. TMC નેતા શશી પાંજાએ આરોપ મૂક્યો કે BJP કાર્યકરોએ જ તેમના ઘરના નજીક પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
#WATCH | कोलकाता, पश्चिम बंगाल: गिरीश पार्क इलाके में BJP और TMC कार्यकर्ताओं के बीच झड़प हो गई; पत्थर भी फेंके गए।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/KjLuTPXgiS— ANI_HindiNews (@AHindinews) March 14, 2026
આ ઘટનામાં ઘણા કાર્યકરોને ઈજા થઈ હોવાની માહિતી પણ મળી છે. BJP નેતા તમોઘ્ના ઘોષ પર પણ હુમલો થયો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, ગિરિશ પાર્ક વિસ્તારમાં તેમના પર હુમલો થયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. BJPએ આરોપ મૂક્યો છે કે આ હુમલો TMC સાથે જોડાયેલા લોકોએ કર્યો હતો.
કોલકાતામાં ભાજપ-TMC કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક વાહનોમાં તોડફોડ, પોલીસે પરિસ્થિતિ સંભાળી?
બીજી તરફ, TMCએ આ આરોપોને સંપૂર્ણ પણે નકારી કાઢ્યા હતા. TMC નેતા શશી પાંજાએ કહ્યું કે, BJPના કાર્યકરોએ જ તેમના ઘરના નજીક પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના પર ઈંટ અને પથ્થરથી હુમલો થયો હતો, જેમાં તેમને પણ ઈજા પહોંચી હતી. TMCએ કહ્યું કે BJP કાર્યકરોએ બસો પર પણ હુમલો કર્યો હતો, જેથી તેમના લોકો બ્રિગેડ મેદાન સુધી પહોંચી ન શકે.
#WATCH कोलकाता: पश्चिम बंगाल सरकार में मंत्री शशि पांजा ने कहा, “मैं घायल हूं। मेरे TMC कार्यकर्ता भी घायल हैं… ये लोग हत्यारे हैं, आप उनको भाजपा कार्यकर्ता कहते हैं?…50 से अधिक घायल हैं… ये लोग गुंडे हैं, खुनी हैं, बॉयकॉट भाजपा का पोस्टर फाड़ा, TMC के समर्थक को मारा और… https://t.co/vjpy6U522k pic.twitter.com/clTPGfhBAN
— ANI_HindiNews (@AHindinews) March 14, 2026
TMC નેતાઓએ BJP પર આરોપ મૂક્યો કે પાર્ટીના કાર્યકરો હિંસક રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, BJP સમર્થકોએ મંત્રીના ઘરના નજીક પણ પથ્થર ફેંક્યા હતા, જેના કારણે વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો અને ભીડને વિખેરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

આ ઘટનાના પગલે કોલકાતાના અનેક વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે. જોકે, પોલીસ પ્રશાસનનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને ધ્યાનમાં રાખીને શહેરમાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને અથડામણમાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે આ ઘટના ફરી એકવાર પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વધતા તણાવને દર્શાવે છે.
