Final Up to date:
રાજકોટના ગુંદા ગામના ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાએ પરંપરાગત ખેતીને આધુનિક અને પ્રાકૃતિક સ્વરૂપ આપીને સમગ્ર ગુજરાત માટે એક નવો રાહ ચીંધ્યો છે. 220 ગાયોની ગૌશાળાના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેમણે 2 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે, જ્યાંથી દરરોજ હજારો લીટર ‘અમૃત જળ’ (લિક્વિડ ખાતર) તૈયાર થાય છે. આ ઓર્ગેનિક ખેતીથી માત્ર તેમનું ખેતર જ સમૃદ્ધ નથી થયું, પરંતુ 1500 થી વધુ ખેડૂતોને પણ તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા વીઘે લાખોની કમાણી કરતા કર્યા છે.
રાજકોટ: રાજકોટ નજીકના ગુંદા ગામના ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાએ ગાય આધારિત કૃષિને આધુનિક વ્યવસાય સાથે જોડીને એક અનોખું મોડેલ ઊભું કર્યું છે. ગૌશાળામાં રહેલી 220 ગાયોમાંથી મળતા છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી તેઓ બાયોગેસ પ્લાન્ટ, અમૃત જળ, વર્મી કમ્પોસ્ટ અને ઘન જીવામૃત જેવા ઓર્ગેનિક ખાતર બનાવે છે. આ ખાતર માત્ર તેમની ખેતીમાં જ નહીં, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ લાભદાયક સાબિત થઈ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીના આ મોડેલથી તેઓ ખેતીમાં વધારાની આવક, ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ ત્રણેય હેતુઓને એકસાથે સાકાર કરી રહ્યા છે.
રાજકોટ શહેરની ભાગોળે આવેલા ગુંદા ગામના રહેવાસી રાજેશભાઈ લીંબાસીયા આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. શરૂઆતના દિવસોમાં ખેતી અને વ્યવસાયમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં તેમણે હિંમત હારી નહોતી. તેમને વિશ્વાસ હતો કે ગાય આધારિત ખેતી જ ભવિષ્યમાં ખેડૂતોને નફાકારક બનાવશે. આ વિચાર સાથે તેમણે પોતાના ફાર્મ પર ગૌશાળા શરૂ કરી અને સતત મહેનતથી આજે ત્યાં 220 ગાયોનું સંવર્ધન થઈ રહ્યું છે.
ગૌશાળામાંથી મળતા છાણ અને ગૌમૂત્રને વેડફવાના બદલે રાજેશભાઈએ તેનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખાતર બનાવવાનું શરૂ કર્યું. રાજ્ય સરકારની સહાયથી તેમણે આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે 320 ઘન મીટરની ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો. આ પ્લાન્ટમાંથી રોજનું લગભગ 100000 લીટર લિક્વિડ ઓર્ગેનિક ખાતર, જેને તેઓ ‘અમૃત જળ’ તરીકે ઓળખાવે છે, તૈયાર થાય છે. આ ખાતર પ્રાકૃતિક ખેતી માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત પ્લાન્ટમાંથી મળતા ઘન પદાર્થનો ઉપયોગ કરીને તેઓ વર્મી કમ્પોસ્ટ અને ઘન જીવામૃત પણ તૈયાર કરે છે. અળસિયાની મદદથી બનતું આ ખાતર જમીનની ઊર્વરતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજેશભાઈ દરરોજ લગભગ 20000 લીટર અમૃત જળ ખેડૂતોને વેચે છે, જેના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. વર્મી કમ્પોસ્ટનું પણ પ્રતિ કિલો રૂ. 70ના દરે વેચાણ થાય છે, જેના કારણે તેમને માસિક લાખો રૂપિયાની આવક મળે છે.
પ્રાકૃતિક ખેતીની અસર તેમના પોતાના ખેતરમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ આશરે 20 વીઘા જમીનમાં બાગાયતી પાકોની ખેતી કરે છે. તેમાં ગલગોટા ફૂલ, મરચાં, ટામેટા, ફ્લાવર, મેથી અને દૂધી જેવા શાકભાજીનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને સરગવાના ઝાડમાંથી થતું ઉત્પાદન તેમને વધુ નફો અપાવે છે. એક જ ઝાડમાંથી લગભગ 15 મણ સરગવાનું ઉત્પાદન મળે છે, જે પ્રાકૃતિક ખાતરના કારણે શક્ય બને છે. સરગવાની શીંગને સૂકવીને પાવડર બનાવી તેઓ બજારમાં વેચાણ કરે છે.
રાજેશભાઈ માટે ગૌશાળા માત્ર સેવા નથી, પરંતુ એક સફળ વ્યવસાય પણ બની છે. ગૌશાળાનો રોજનો નિભાવ ખર્ચ લગભગ રૂ. 30000 જેટલો થાય છે, જેમાંથી કેટલીક સહાય સરકાર તરફથી મળે છે અને બાકીનો ખર્ચ તેઓ ડેરી પ્રોડક્ટ્સના વેચાણથી કાઢે છે. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા મિથેન ગેસનો ઉપયોગ તેઓ ડેરીના કામમાં કરીને ઊર્જા બચત પણ કરે છે. રાજેશભાઈનું આ મોડેલ માત્ર તેમની માટે જ નહીં, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બન્યું છે. તેમની માર્ગદર્શનથી અત્યાર સુધીમાં 1500થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને વીઘે 2 થી 3 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
Mar 14, 2026 11:01 AM IST
