Final Up to date:
ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા ઘરમાં એસી, કૂલર, ફ્રિજ અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ વધી જાય છે, જેના કારણે વાયરિંગ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ પર વધુ લોડ પડે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો ઇલેક્ટ્રિક સેફ્ટી અંગે યોગ્ય સાવચેતી ન રાખવામાં આવે તો શોર્ટ સર્કિટ અને આગ જેવી ગંભીર દુર્ઘટનાઓ બની શકે છે. આવો, ઇલેક્ટ્રિક સેફ્ટીના ઉપાયો જાણીએ.
રાજકોટ: ઉનાળાની ઋતુ શરૂ થતા જ તાપમાન વધવા લાગે છે અને તેની સાથે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ પણ વધી જાય છે. ઘરમાં એસી, કૂલર, ફ્રિજ, પંખા અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો સતત ચાલતા હોવાથી વાયરિંગ અને કનેક્શન પર વધુ લોડ આવે છે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક સેફ્ટી પર ધ્યાન ન આપવામાં આવે તો શોર્ટ સર્કિટ અને આગ જેવી ગંભીર ઘટનાઓ બની શકે છે. ખાસ કરીને ઉનાળામાં વાયરિંગ ગરમ થવાની શક્યતા વધારે હોય છે, જેના કારણે સ્પાર્ક થવું અથવા આગ લાગવી સામાન્ય બની જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં ઇલેક્ટ્રિક સેફ્ટી અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
ઇલેક્ટ્રિક સેક્ટરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એચ.એ. ઢાંકી જણાવે છે કે LCB અને ELCB જેવા પ્રોટેક્શન ઉપકરણો ઘરમાં હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આજના સમયમાં પણ ઇલેક્ટ્રિક પ્રોટેક્શનને પૂરતું મહત્વ આપતા નથી. ઘણીવાર લોકો ‘ચાલશે’ એવી માનસિકતા રાખીને નાની સમસ્યાઓને અવગણે છે. પરંતુ આવી બેદરકારીના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. આજકાલ જે આગની ઘટનાઓ બને છે તેમાં મોટાભાગે ક્યાંકને ક્યાંક લોકોની અવગણનાનો પણ હિસ્સો હોય છે, કારણ કે લોકો LCB અને ELCB જેવા સુરક્ષા ઉપકરણો લગાવતા નથી.

વધુમાં જણાવ્યું હતું કે, LCB અને ELCB બંને ઘરને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ચોમાસા અથવા ભેજવાળા સમયમાં ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ સ્વીચ ચાલુ કરીએ ત્યારે આપણને ઝટકો લાગે છે. તેનો અર્થ એ થાય છે કે સ્વીચમાં ભેજ છે અથવા તેમાં કોઈ પ્રકારની ખરાબી છે. પરંતુ મોટાભાગના લોકો તેને સામાન્ય બાબત માનીને ચલાવી લે છે. આવી સ્થિતિમાં જોખમ વધી શકે છે. જો ઘરમાં ELCB લગાવવામાં આવ્યું હોય તો આવી પરિસ્થિતિમાં તે સુરક્ષા આપે છે. જ્યારે પણ કરંટ લીકેજ થાય છે અથવા કોઈને શોક લાગવાની સ્થિતિ બને છે ત્યારે ELCB તરત જ ટ્રિપ થઈ જાય છે અને સ્વીચ આપોઆપ બંધ થઈ જાય છે. જેના કારણે કરંટનો પ્રવાહ બંધ થઈ જાય છે અને મોટી દુર્ઘટના ટળી શકે છે. આ રીતે ELCB ઇલેક્ટ્રિક શોકથી બચાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એચ.એ. ઢાંકી વધુમાં કહે છે કે ઘણીવાર ઇલેક્ટ્રિક કનેક્શન લૂઝ હોવાના કારણે સ્પાર્ક થાય છે. આ સ્પાર્કથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. તેથી ઘર કે ફ્લેટમાં ક્યાંય કનેક્શન લૂઝ નથી તેની ચકાસણી કરવી જરૂરી છે. આ સાથે જ આખા મકાનમાં યોગ્ય રીતે અર્થિંગ કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ ખાતરી કરવી જોઈએ. કારણ કે યોગ્ય અર્થિંગ ઇલેક્ટ્રિક સેફ્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. LCB અને ELCB બંને ભેગા હોય ત્યારે તેને સામાન્ય ભાષામાં રોબોટ પણ કહેવામાં આવે છે.
વધુમાં કહ્યું હતું કે, દરેક ઘરમાં યોગ્ય અર્થિંગ હોવું જોઈએ. સાથે સાથે ઘરનું વાયરિંગ પણ યોગ્ય રીતે કરાવવું જરૂરી છે. શક્ય હોય તો કોપરના વાયરનો ઉપયોગ કરવો વધુ સલામત માનવામાં આવે છે, કારણ કે તે વધુ મજબૂત અને ટકાઉ હોય છે. આ ઉપરાંત દરેક ઘરમાં ફાયર એક્સ્ટિંગ્યુશર પણ હોવું જોઈએ જેથી આગ જેવી ઘટના બને ત્યારે શરૂઆતમાં જ તેને કાબૂમાં લઈ શકાય. ઉનાળાની ઋતુમાં જો લોકો ઇલેક્ટ્રિક સેફ્ટી અંગે સજાગ રહે અને LCB, ELCB, યોગ્ય અર્થિંગ અને સારા વાયરિંગ જેવી બાબતો પર ધ્યાન આપે તો ઇલેક્ટ્રિસિટીથી લાગતી આગની ઘણી ઘટનાઓને અટકાવી શકાય છે. થોડું ધ્યાન અને સાવચેતી રાખવાથી મોટી દુર્ઘટનાઓથી બચવું શક્ય બને છે.
Mar 07, 2026 10:19 AM IST
