Final Up to date:
રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસને લઈને મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે આ કેસને લઈને જજની સામે તેઓ ક્યારેય રડ્યા નથી. સાથે જ એવું પણ કહ્યું કે ખોટી અફવાઓ પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ.
રાજપાલ યાદવ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે. ચેક બાઉન્સ મામલે તિહાડ જેલમાંથી નીકળ્યા બાદ તેમણે એક પછી એક ઘણા ખુલાસાઓ કર્યા છે. પોતાના પર જેટલા પણ આરોપો લાગ્યા હતા તે દરેક આરોપોને રાજપાલ યાદવ દ્વારા નકારવામાં આવ્યા છે. હવે રાજપાલ યાદવ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેઓ આ કેસને લઈને જજ સામે ક્યારેય રડ્યા નથી. સાથે જ કોર્ટને તેમણે જણાવ્યું પણ નથી કે તેમની પાસે રૂપિયા નથી.
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું, તે સમયે એવી માહિતી સામે આવી હતી કે તેઓ ઓથોરિટીની સામે ઈમોશનલ થઈ ગયા હતા. અમુક મીડિયા રિપોર્ટમાં એવી માહિતી સામે આવી હતી કે પોતાની વ્યથાને જણાવતા એક્ટર રડી પડ્યા હતા. એક્ટરે ઈમોશનલ થતા એવું કહ્યું હતું કે “સર હું શું કરું મારી પાસે રૂપિયા નથી કોઈ ઉપાય નથી દેખાઈ રહ્યો. અહીંયા અમે બધા એકલા છીએ કોઈ મિત્ર નથી આ સમસ્યા સાથે મારે પોતે જ સમાધાન કરવું પડશે.”
જોકે હવે આ સમગ્ર મામલે રાજપાલ યાદવ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તે દરેક રિપોર્ટ ખોટા હતા. તેણે જણાવ્યું હતું કે “આ પ્રકારના દાવાઓમાં જરા પણ સત્યતા નથી. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જે લોકોને આ મામલે કંઈક જાણ નથી, તેઓ ઈન્ટરનેટ પર સત્ય જાણવા વગર માહિતીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.”
રાજપાલ યાદવે કહ્યું કે “સોશિયલ મીડિયાની કોઈ પણ સ્ટોરી પર ભરોસો ન કરો. જે પણ ચાલી રહ્યું છે તેમાં અમુક લોકો સારા પણ છે, જ્યારે અમુક લોકો એવા પણ છે જેમને આ વિશે કોઈ જાણકારી નથી. આ લોકો આવી જ રીતે પોતાની દુકાનો ચલાવી રહ્યા છે. હું તે દરેકનું સન્માન કરું છું. રાજપાલ યાદવના ચહેરાને જોઈને માત્ર સ્મિત આવવું જોઈએ. આનાથી વધારે આશા ન રાખતા.”
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રાજપાલ યાદવે એવું પણ કહ્યું કે “મુશ્કેલ સમયમાં ઈન્ડસ્ટ્રીએ તેમને ઘણો સાથ આપ્યો. એક્ટરને પરિવાર દ્વારા પણ સપોર્ટ કરવામાં આવ્યો.” તેમણે દરેકનો આભાર માન્યો છે. 12 દિવસ જેલમાં રહીને તેઓ વચગાળાના જામીન પર બહાર આવ્યા છે. જોકે તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. 18 માર્ચે તેમના કેસની આગામી સુનાવણી થવાની છે.

