Final Up to date:
ખેરવા ગામની જયાબેન પટેલે પોતાની મહેનત અને નવીન વિચારશક્તિથી સ્વાવલંબનની અનોખી મિસાલ ઊભી કરી છે. માત્ર એક વર્ષમાં 12 ફ્લેવરના ખાખરા બનાવી તેમણે પોતાના વ્યવસાયને 15 સ્ટોલ સુધી વિસ્તારી દીધો છે. ગુણવત્તા, સ્વચ્છતા અને ગ્રાહકોના વિશ્વાસના આધાર પર આગળ વધતા જયાબેન આજે ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક ચહેરો બન્યા છે. રસોડામાં શરૂ થયેલી તેમની સફર આજે હજારો લોકોના સ્વાદ અને વિશ્વાસ સુધી પહોંચી છે.
મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેરવા ગામની જયાબેન ધીરજભાઈ પટેલ આજે ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. છેલ્લા ઘણા વર્ષોથી નાસ્તા-ફરસાણ તેમજ ખાખરાની બનાવટ સાથે જોડાયેલી જયાબેને પોતાના કૌશલ્યને વ્યવસાયમાં રૂપાંતરિત કરીને સ્વાવલંબનની દિશામાં મક્કમ પગલું ભર્યું છે. માત્ર 1 વર્ષ પહેલાં તેમણે અલગ અલગ સ્થળોએ વેચાણની શરૂઆત કરી હતી અને આજે સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી ક્ષેત્રના મળીને અંદાજે 15 જેટલા સ્ટોલ સફળતાપૂર્વક સંચાલિત કરી રહી છે.
જયાબેન પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં વેચાણનો વ્યાપ નાનો હતો, પરંતુ ગુણવત્તા અને સ્વાદના કારણે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળતા ધીમે ધીમે સ્ટોલોની સંખ્યા વધતી ગઈ. ગયા એક સ્ટોલમાં તેમણે અંદાજે 1.5 લાખ રૂપિયાના ખાખરાનું વેચાણ કર્યું હતું, જેમાંથી આશરે 35,000 થી 36,000 રૂપિયા જેટલો નફો મળ્યો હતો. આ સફળતા તેમની મહેનત અને યોગ્ય આયોજનનું પરિણામ છે. તેમના ખાખરાની વિશેષતા તેના 12 અલગ અલગ ફ્લેવરમાં છે. પરંપરાગત સ્વાદ સાથે આધુનિક પસંદગીને ધ્યાનમાં રાખીને તેઓ પાણીપુરી, પીઝા, પેરી પેરી, મેગી, કુરકુરે, કાચી કેરી, મેથી, સાદા, ચાટ મસાલા અને મંચુરિયન જેવા અલગ અલગ સ્વાદમાં ખાખરા તૈયાર કરે છે. યુવા પેઢીથી લઈને વડીલો સુધી સૌને ગમે તેવા સ્વાદોની વિવિધતા હોવાને કારણે તેમના ખાખરાની માંગ સતત વધી રહી છે.

જયાબેનનો વેચાણનો અંદાજ પણ ખાસ છે. તેઓ કહે છે કે “જ્યારે પણ કોઈ ગ્રાહક ખાખરા લેવા આવે છે ત્યારે હું પહેલાં તેમને ખાખરા ચખાડું છું. એકવાર સ્વાદ ચાખ્યા પછી ગ્રાહક ચોક્કસપણે ખાખરા ખરીદી કરે છે.” તેમના ખાખરા 100 રૂપિયાના 500 gm ના ભાવે વેચાય છે, જ્યારે હાથ વણાંકના અને ખાસ પ્રકારના ખાખરાના ભાવ અલગ અલગ હોય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં પણ તેઓ સંપૂર્ણ સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખે છે. બધા મસાલા તેઓ ઘરે જ તૈયાર કરે છે, જેથી સ્વાદમાં એકરૂપતા અને શુદ્ધતા જળવાય. લોટ મિનરલ વોટરથી બાંધવામાં આવે છે અને ખાખરા ત્રણવાર શેકવામાં આવે છે, જેથી તે વધુ કરકરા બને અને લાંબા સમય સુધી ટકી રહે. ત્યારબાદ ફરી એકવાર ખાસ મસાલો ઉમેરવામાં આવે છે, જે તેના સ્વાદને વધુ મજેદાર બનાવે છે.
હાલમાં વિસનગરમાં ચાલતા સ્વદેશી મેળામાં તેઓએ એક જ દિવસમાં 150 થી વધુ પેકેટ ખાખરાનું વેચાણ કર્યું છે. આ આંકડો દર્શાવે છે કે તેમના ઉત્પાદનોને મેળામાં આવેલા લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. સતત વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને તેઓ આગળના સમયમાં ઉત્પાદન વધારવાની પણ યોજના બનાવી રહ્યા છે. જયાબેને કહ્યું હતું કે, આ વ્યવસાયથી તેમને વાર્ષિક સારી એવી આવક મળી રહી છે, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. સાથે સાથે ગામની અન્ય અનેક મહિલાઓ માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બની છે. તેમની સફળતા જોઈને ઘણી મહિલાઓ ઘરઆધારિત વ્યવસાય શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
Mahesana,Gujarat
