Final Up to date:
રાજકોટમાંથી જળસંચય માટે એક વિશાળ જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે ગંભીર બનતી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હજારો જળસંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ: સૌરાષ્ટ્રની ધરતી પર પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે અને વરસાદનું મોટું પ્રમાણ દરિયામાં વહી જાય છે. આવી પરિસ્થિતિમાં જળસંચય માત્ર એક વિકલ્પ નથી, પરંતુ સમયની માંગ બની ગયો છે. આ દિશામાં રાજકોટથી કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અનોખો અને વિશાળ સંકલ્પ લેવામાં આવ્યો છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા કહે છે કે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે જો કોઈ સૌથી મહત્વનું કાર્ય હોય તો તે જળસંચય છે. કારણ કે પાણી કોઈ બનાવી શકતું નથી. કુદરત આપે છે, પરંતુ તેને સાચવવાની જવાબદારી માનવની છે. વ્યક્તિ ઇચ્છે તો પાણીનો બચાવ કરી શકે છે અને પોતાના વિસ્તારનું પાણી પોતાના વિસ્તારમાં જ રોકી શકે છે.
સૌરાષ્ટ્રની ધરતીમાં ખેતીવાડીનો મોટો ફાળો છે. અહીંના ખેડૂતો માટે પાણી એ જીવનરેખા સમાન છે. ખેતીની સૌથી મોટી જરૂરિયાત પાણી છે, પરંતુ વર્ષો પહેલાં જ્યાં 20થી 30 ફૂટે પાણી મળી જતું હતું, ત્યાં આજે 500 થી 1000 ફૂટે પણ પાણી મળતું નથી. કેટલાક વિસ્તારોમાં તો 2500 ફૂટ સુધી બોર ખોદવા છતાં પૂરતું પાણી મળતું નથી. આ પરિસ્થિતિ માત્ર ચિંતાજનક જ નથી, પરંતુ ભવિષ્ય માટે ખતરાની ઘંટી સમાન છે. રાજકોટમાં ભારે વરસાદ પડે છે, છતાં તેનું મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. જો આ પાણીનો યોગ્ય સંગ્રહ થાય તો ભૂગર્ભ જળસ્તર ફરીથી ઉપર આવી શકે છે. આ વિચાર સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અત્યાર સુધીમાં 8 હજારથી વધુ જળસંચયના કાર્યો પૂર્ણ કર્યા છે. ચેકડેમ, બોર-કૂવા રિચાર્જ, ખેત તલાવડી અને સોર્સ ખાડા જેવા સ્ટ્રક્ચરો દ્વારા પાણી રોકવાની અને જમીનમાં ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટનો સંકલ્પ માત્ર સ્થાનિક સ્તરે મર્યાદિત નથી. દિલીપભાઈ સખિયા જણાવે છે કે તેમનું લક્ષ્ય સમગ્ર ભારતમાં 1,11,111 જળસંચયના કાર્યો કરવાનો છે. આગામી સમયમાં તેઓ ઈચ્છે છે કે એકસાથે 300 થી 400 ગામોમાં મશીનો ચાલતા હોય અને જળસંચયના કાર્યો ઝડપથી આગળ વધતા હોય. આ અભિયાન માત્ર પાણી બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ છે. દિલીપભાઈ સખિયા કહે છે કે પાણીનું દરેક ટીપું જીવન સમાન છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર સરકાર પર છોડીને ચાલશે નહીં. સમાજ, ખેડૂત, યુવાનો અને સંસ્થાઓ બધાએ સાથે મળીને કામ કરવું પડશે. નવી પેઢીમાં જળસંચય અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ પાણીનું મહત્વ સમજી શકે અને તેનો દુરુપયોગ ટાળી શકે.
