Final Up to date:
હાલના સમયમાં પશુપાલન માત્ર રોજગાર નથી રહ્યો, પરંતુ આવકનું મજબૂત સાધન બની ગયું છે. જો પશુઓને યોગ્ય અને સંતુલિત આહાર આપવામાં આવે તો દૂધ ઉત્પાદન સાથે પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ભાવનગર: હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બનતો જાય છે. આ વ્યવસાય થકી પશુપાલકો લાખો રૂપિયાની આવક હાંસલ કરી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. પશુપાલન દરમિયાન યોગ્ય માવજત ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને પશુ આહારમાં ધ્યાન આપવું જોઈએ. જો પશુ આહાર યોગ્ય માત્રામાં આપવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. આ ઉપરાંત, પશુપાલકોને અઢળક ફાયદા થાય છે.
ગારીયાધારમાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. રાહુલભાઈએ જણાવ્યું કે પશુપાલકો સામાન્ય રીતે પૂછે છે કે પશુઓને કેવો અને કેટલો આહાર આપવો જોઈએ. પુખ્ત પશુ માટે દરરોજ ચારથી પાંચ કિલો સૂકો ચારો અને 15 થી 20 કિલો લીલો ચારો જરૂરી હોય છે. આ ઉપરાંત ઘઉં, બાજરી જેવા અનાજની પણ જરૂર હોય છે. કઠોળ વર્ગમાં રજકો વગેરેનો સમાવેશ થાય છે, જે માટે એક કિલો કઠોળ અને ત્રણ કિલો અનાજ વર્ગનો ચારો આપવો જોઈએ.

આ ઉપરાંત બાયપાસ ફેટ, બજારમાં મળતા વિવિધ મિનરલ મિક્સચર પાવડર અને તમારા વિસ્તારમાં કયા પોષક તત્વો ઓછા છે, તેના માટે વિશેષ મિનરલ મિક્સચર બનાવેલું હોય તો તેનો પણ પશુમાં વધુ ફાયદો જોવા મળે છે. પશુઓને 24 કલાક ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરવું જોઈએ, શિયાળામાં હૂંફાળું અને ઉનાળામાં ઠંડું પાણી આપી શકાય. આ સિવાય, દૂધના પ્રમાણમાં ખાણદાણ પણ આપવું જોઈએ જેથી પશુનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે.
સમતોલ આહાર આપવાથી પશુઓને ઘણાં ફાયદા થાય છે. જો પશુઓને પૂરતા પ્રમાણમાં આહાર આપવામાં આવે, તો તેમની પ્રજનન ક્ષમતા વધે છે અને બે વિયાણ વચ્ચેનો સમયગાળો ઘટે છે. સાથે સાથે પશુઓ સમયસર પુખ્ત થાય, જેથી નાની ઉંમરે જ ગર્ભાવસ્થામાં આવે છે. પરિણામે, નાની ઉંમરે જ બચ્ચાને જન્મ આપે છે, જેથી પાડીને ભેંસ અથવા વાછરડીને ગાય બનવામાં ઓછો સમય લાગે. આથી દૂધ ઉત્પાદન અને ફેટમાં વધારો થાય છે, જેનાથી પશુપાલકોને લાભ થાય છે.
Bhavnagar,Gujarat
