Final Up to date:
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિણીતાને તેના સાસરિયાઓ દિયરના વીર્યથી IVF કરાવવા દબાણ કરતા હતા. સાથે જ તેને ઢોરમાર પણ માર્યો હતો. આખી ઘટના જાણીને ચોંકી જશો
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર યુવતીએ લગ્ન કર્યા તે બાદ પતિના ફોનમાં અનેક સ્ત્રીઓ સાથેનું ચેટિંગ જોતા પતિએ ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં યુવતીનો પતિ પિતા બનવાની સક્ષમતા ન ધરાવતો હોવાનું મેડિકલમાં સામે આવતા સાસરિયાઓએ દિયરના વીર્યથી આઇવીએફ પ્રોસેસ કરાવવા દબાણ કર્યું હતું. જ્યારે યુવતીના સસરા પણ શહેરની એક એજન્સીમાં પીએસઆઇ હોવાથી અવારનવાર ધમકી આપતા હતા. યુવતીનો પતિ સરકારી વિભાગમાં સેક્શન ઓફિસર હોવાથી ટ્રેનિંગ અને બ્રિજના ચેકિંગના બહાને થાઇલેન્ડ ઉપડી ગયો હતો. યુવતીને આ બાબતે જાણ થતાં તેણે ઝઘડો કર્યો હતો અને સાસરિયાઓએ માર પણ માર્યો હતો. અંતે કંટાળીને યુવતીએ અભયમની મદદ લેતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, જુહાપુરામાં રહેતી 29 વર્ષીય યુવતી એક અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. યુવતીએ વર્ષ 2023માં સરકારી વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ માસ બાદ પતિએ પોતાના હાથ પર દોરાવેલા ટેટૂ બાબતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. યુવતીએ પતિના ફોનની તપાસ કરતા અનેક સ્ત્રીઓ સાથેના ચેટિંગ મળ્યા હતા. જ્યારે યુવતીના સસરા પણ પોલીસ અધિકારી હોવાનું કહીને ધમકાવતા હતા.
યુવતીના લગ્નના એકાદ વર્ષ બાદ બાળક ન થતાં પતિનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તે પિતા બનવા માટે સક્ષમ ન હોવાનું તારણ આવ્યું હતું. જેથી સાસરિયાઓએ આઇવીએફનું દબાણ કરતા યુવતીએ પ્રોસેસ શરૂ કરાવી હતી. ત્રણ વાર કરેલી પ્રોસેસ બાદ પરિણામ ન મળતા સાસરિયાઓએ યુવતીને દિયરના વીર્યથી આઇવીએફ પ્રોસેસ કરાવવા દબાણ કર્યું હતું. યુવતીએ આ બાબતે મનાઇ કરતા પતિએ અકુદરતી સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જ્યારે પરિણીતા આ સંબંધો માટે મનાઇ કરે ત્યારે પતિ તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો.
થોડા સમય પહેલા પતિએ સૌરાષ્ટ્ર ખાતે બ્રિજના ચેકિંગ અને ટ્રેનિંગ માટે જવાનું બહાનું કર્યું હતું. જોકે, તે સમયે પરિણીતાને પતિની વિદેશ યાત્રાની ટિકિટ મળતા તેણે પતિને ફોન કરતા ફોન ઉપાડ્યા નહોતા. જે બાદ પરિણીતાના સસરાએ દવાખાને પહોંચી ગયા હતા અને પુત્રવધૂ સાથે ઝઘડો કર્યો હતો. સસરાએ દીકરો તો કેરાલા ગયો હોવાનું બહાનું બતાવીને ધમકી આપી હતી.
પરિણીતાએ પતિનું લોકેશન તપાસતા તે થાઇલેન્ડ હોવાની જાણ થતાં પતિની ઓફિસે જઇને તપાસ કરી હતી. ત્યારે પતિ તો 15 દિવસની રજા પર ગયો હોવાનું સામે આવ્યું હતું. પતિની ઓફિસે જવા બાબતે પણ સસરાએ પરિણીતાને ધમકાવી હતી.
એક દિવસ યુવતીને તેના પતિએ તાત્કાલિક ઘરે બોલાવી હતી. યુવતી ઘરે પહોંચી ત્યારે તેના રૂમને તાળું મારી દીધું હતું. માંડ માંડ તાળું ખોલાવીને તે રૂમમાં ગઇ ત્યારે તેની સાસુ, દિયર સહિતના લોકોએ વાળ પકડીને દંડા અને લાતોથી માર માર્યો હતો. સાસરિયાઓ યુવતીને ઘસડીને બહાર લાવ્યા ત્યારે તે સામેવાળાના ઘરે ભાગી ગઇ હતી. અંતે અભયમની મદદ લેતા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને યુવતીએ પતિ, સસરા, દિયર, સાસુ સહિતના લોકો સામે વેજલપુર પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad,Gujarat
Feb 11, 2026 10:32 PM IST
અમદાવાદ: દિયરના વીર્યથી IVF કરાવવા પરિણીતાને દબાણ કર્યું, ના પાડી તો પતિએ અકુદરતી સંબંધ બાંધવા દબાણ કર્યું, ધ્રુજી જશો આખી ઘટના જાણીને

