Final Up to date:
સોશિયલ મીડિયા પર એક યુવકે બનાવેલો તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોયા બાદ એક સમયે તમે પણ વિચારશો કે જીવનમાં સફળતા મેળવવા માટે અને રૂપિયા કમાવા માટે લોકો એટલી ભાગદોડ કરી રહ્યા છે કે તેઓ માનસિક શાંતિને હવે શોધી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે જે જીવનની સત્યતાને ઉજાગર કરતા હોય છે. માણસ આખી જિંદગી સફળતા અને રૂપિયા કમાવા પાછળ દોટ મૂકે છે. પરંતુ સફળતા મેળવ્યા બાદ શું કરશે તે એક મોટો પ્રશ્ન છે. હાલ સોશિયલ મીડિયા પર જે વાયરલ થયો જેની અમે વાત કરી રહ્યા છીએ તે વીડિયો પણ કંઈક એવો જ છે. જેમાં એક યુવક પોતાની વ્યથા જણાવી રહ્યો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @trainwithshubham નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જે યુવક દેખાઈ રહ્યો છે તેનું નામ શુભમ લોંઢે છે અને એકાઉન્ટ પણ તેનું જ છે. વીડિયોમાં શુભમ પોતે કેવી જોરદાર જગ્યાએ રહે છે તે દર્શાવી રહ્યો છે. જ્યાં સ્વિમિંગ પૂલ, જિમ, સ્નૂકર એરિયા જેવી પ્રીમિયમ સુવિધાઓ છે.
શુભમ લોંઢેના જણાવ્યા પ્રમાણે તે દર મહિને 50 હજાર રૂપિયા ભાડું ભરે છે તે જગ્યાએ રહેવા માટે. જોકે સત્ય વાત એ છે કે આટલું ભાડું ભરવા છતાં પણ તે આ સુવિધાઓનો આનંદ નથી લઈ શકતો. તેણે વીડિયોમાં જણાવ્યું કે તેની દિનચર્યા એટલી વ્યસ્ત છે કે સમય કાઢવો પણ મુશ્કેલ છે. ઓફિસનું કામ જવાબદારીઓ વચ્ચે આખો દિવસ ક્યારે નીકળી જાય છે તેની તેને જાણ નથી. વીડિયોમાં તેણે એવું કહ્યું કે મારી પાસે બસ ટાઈમ નથી. તેનું આ નિવેદન ઘણા લોકોના દિલને સ્પર્શી ગયું છે. કારણકે આ સમસ્યા માત્ર તે યુવકની નથી.
યુવક શુભમનું કહેવું છે કે બેંગલુરુ જેવા મોટા શહેરોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે. લોકો વધારે સેલરી અને કરિયર ગ્રોથ માટે અહીંયા આવે છે. પરંતુ પોતાનો અંગત સમય તે ગુમાવી દે છે. મોટા ભાગના લોકો સોમવારથી શુક્રવાર સુધી કામમાં વ્યસ્ત રહે છે. ઓફિસથી થાકીને ઘરે આવ્યા બાદ કોઈ એક્ટિવિટી કરવાનો સમય નથી બચતો. અને રજાઓ માત્ર આરામ કરવામાં જતી રહે છે.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ દ્વારા પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ વીડિયો માત્ર એક વ્યક્તિની ફરિયાદ નથી. પરંતુ આજની જીવનશૈલી પર એક સવાલ છે. જેમાં મોટા શહેરોમાં લોકો સફળતા મેળવવા માગે છે. તેમને સફળતા મળે પણ છે પણ સારા કરિયર અને વધારે પગારની ભાગદોડમાં તેઓ જીવનની શાંતિને ગુમાવી દે છે.

