Final Up to date:
બરોડા ડેરીની ચૂંટણીમાં વિલંબ થયો છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સાથે જ આગામી 18 માર્ચના રોજ હવે બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: ચૂંટણી સમયસર ન યોજવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટની ખંડપીઠે અદાલતી તિરસ્કાર અરજીની સુનાવણી દરમિયાન રાજ્યના સહકાર સચિવ, વડોદરા કલેક્ટર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું. આ તમામ અધિકારીઓ આજે વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહ્યા હતા.
આજે સરકારી વકીલ દ્વારા બરોડા ડેરીની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 21થી 26 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 28 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 2 માર્ચે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 3થી 7 માર્ચ દરમિયાન ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે અને 9 માર્ચે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. બરોડા ડેરી માટે 18 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે સહકારી મંડળીઓની મુદત પૂર્ણ થવાના ઓછામાં ઓછા 90 દિવસ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા અંગે અગાઉ સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હતો. તેમ છતાં આ હુકમનું પાલન ન થતાં અદાલતે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો. કાયદાકીય ગૂંચમાંથી બહાર આવવા રાજ્ય સરકારે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડી રાજ્યની તમામ સહકારી સંસ્થાઓની મુદત છ મહિના વધારી દીધી હતી. પરંતુ હાઈકોર્ટે આ દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે કોઈપણ નોટિફિકેશન અદાલતના હુકમની અવગણનાને ન્યાયી ઠેરવી શકતું નથી.
સુનાવણી દરમિયાન ખંડપીઠે અધિકારીઓને કડક શબ્દોમાં ટકોર કરતા કહ્યું હતું કે, “તમે બરોડા ડેરીની મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરી નથી, તો પછી સુધારણાની વાતો કેવી રીતે કરી શકો?” કોર્ટે વધુમાં જણાવ્યું કે કાં તો તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ અથવા વહીવટદારની નિમણૂક કરવી જોઈએ. સરકારી સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાના બહાનાને પણ અદાલતે ગ્રાહ્ય રાખ્યું નહોતું. હાઈકોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવતીકાલે તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અદાલતી તિરસ્કાર હેઠળ ‘ચાર્જ ફ્રેમ’ કરવામાં આવશે. આ ટિપ્પણી બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હાઈકોર્ટની કડક કાર્યવાહી બાદ હવે બરોડા ડેરીની ચૂંટણી સમયસર યોજાશે કે નહીં, તેના પર સૌની નજર છે.
Ahmedabad,Gujarat
Feb 06, 2026 11:12 PM IST

