Final Up to date:
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ કુંભાસણ ગામના લોકોમાં બાયોમેડિકલ વેસ્ટ યુનિટને લઈને ભારે રોષનો માહોલ ફેલાયેલો છે. ગ્રામજનો દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ યુનિટને ગામની બહાર કરવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ આંદોલન કરશે.
બનાસકાંઠા: પાલનપુરના કુંભાસણ ગામ નજીક આવેલી બાયોમેડિકલ વેસ્ટ યુનિટના એક્સપાન્શન સામે ગ્રામજનો સહિત લોકોમાં વિરોધી સૂર ઊઠ્યો છે. છેલ્લા 10 વર્ષથી રહેણાંક વિસ્તાર નજીક બાયોમેડિકલ વેસ્ટ યુનિટ બન્યું હોવાના આક્ષેપો સાથે આ યુનિટનું એક્સપાન્શન કરવું તો દૂર પરંતુ આ યુનિટને ગામથી 10 કિલોમીટર દૂર હટાવવાની માંગ સાથે કુંભાસણ ગામના ગ્રામજનોએ બાંયો ચડાવી છે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ યુનિટને દૂર નહીં ખસેડાય તો ગ્રામજનોએ ઉપવાસ આંદોલનથી લઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા કુંભાસણ ગામ નજીક રિધમ બાયોકેર નામથી બાયોમેડિકલ વેસ્ટ યુનિટ આવેલું છે. આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટમાં બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી હોસ્પિટલો સહિતનું અલગ અલગ બાયોમેડિકલ વેસ્ટ યુનિટ એકત્ર કરી તેનો નાશ કરવાની પ્રક્રિયા થતી હોય છે. જો કે તાજેતરમાં આ યુનિટનો વિસ્તાર વધારવા અને આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટની ક્ષમતા હાલની ક્ષમતા કરતા બમણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
જોકે આ પ્રક્રિયા વચ્ચે કુંભાસણ ગામ સહિત આસપાસના ગ્રામજનોમાં વિરોધી સૂર ઊભા થયા છે. આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટને કારણે કુંભાસણ સહિત આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોના આરોગ્ય પર અસર અને ખેતરોમાં પણ ખેડૂતોને અસર થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ આ બાયોમેડિકલ યુનિટની ક્ષમતા વધારવી તો દૂર રહી પરંતુ આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટને અહીંથી દૂર એટલે કે રહેણાંક વિસ્તારથી 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે તેવી કુંભાસણ ગામના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
આજે ગામના લોકો એકત્રિત થયા અને આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટ સામે વિરોધ નોંધાવ્યો છે. એકત્ર થયેલા ગામના લોકો સહિત ગામના આગેવાનોનું કહેવું છે કે અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટને આ રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે. ગ્રામજનોના આક્ષેપ છે કે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટથી નજીકમાં કુંભાસણ ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ આવેલી છે જેમાં બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવે છે અને તેમને પણ નુકસાન થાય છે જો આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટને વહેલી તકે દૂર ખસેડવામાં નહીં આવે તો કુંભાસણ ગામના ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉપવાસ આંદોલન કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
Banaskantha,Gujarat

