Final Up to date:
ગેસ સિલિન્ડર એક કોલ કરવાની સાથે જ ઘરે પહોંચી જાય છે. પરંતુ ધારો કે, ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી કરનાર વ્યક્તિ વધુ રૂપિયા માગે તો શું કરવું? ક્યાં ફરિયાદ કરવી? આવો વિસ્તારથી જાણીએ.
LPG Cylinder: છેલ્લા કેટલાક સમયમાં ભારતીય રસોડામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલા ચૂલા પર લાકડાને સળગાવીને રસોઈ કરવામાં આવતી હતી. હવે લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર જોવા મળે છે. જેના પર રસોઈ બનાવવી વધુ સરળ બની ગઈ છે. બસ ગેસ સિલિન્ડર ચાલુ કરો, ગેસનો ચૂલો સળગાવો અને રસોઈની તૈયારી શરૂ કરો. હવે તો ગેસ સિલિન્ડર પણ એક કોલ કરવાની સાથે જ ઘરે પહોંચી જાય છે. એક નક્કી રકમ લઈને વેન્ડર તમારા દરવાજા સુધી સિલિન્ડર પહોંચાડી જાય છે. પરંતુ ધારો કે, ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી કરનાર વ્યક્તિ વધુ રૂપિયા માગે તો શું કરવું? ક્યાં ફરિયાદ કરવી? આવો વિસ્તારથી જાણીએ.
એક સમય એવો પણ હતો, જ્યારે ગેસ સિલિન્ડર લેવા માટે લોકોને ગેસ એજન્સીના ધક્કા ખાવા પડતા હતા. લાંબી લાઈનો લાગતી હતી અને આખો દિવસ ખરાબ થતો હતો. પરંતુ હવે મોટાભાગના શહેરોમાં ઘર બેઠા જ સિલિન્ડરની ડિલિવરી મળી જાય છે. જેનાથી ગ્રાહકોની સુવિધામાં વધારો છે.
ભારતમાં અલગ-અલગ શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમત અલગ હોય છે. કોઈ શહેરમાં કિંમત ઓછી હોય છે, ક્યાંક વધુ હોય છે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ અલગ છે અને ચેન્નઈમાં પણ અલગ છે. ઘણી વાર એવી પણ ફરિયાદ આવે છે કે, સિલિન્ડર હોમ ડિલિવરી કરનાર નક્કી રકમથી વધુ રૂપિયા માગી રહ્યો છે. જો તમારી ગેસ એજન્સી પણ નક્કી રકમ કરતા વધુ રૂપિયા માગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આ માટે તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરી શકો છો. આ સુવિધા તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
તમે એલપીજી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1906 પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સત્તાવાર હેન્ડલ @MoPNG_eSevaને ટેગ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો.
ઘણીવાર ગેસ સિલિન્ડર ડિલિવરી સમયે ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા માગવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે તમે સિલિન્ડર બુક કરો છો, તે સમયે હોમ ડિલિવરી ચાર્જ તેમાં સામેલ હોય છે. એટલા માટે તમારે અલગથી કોઈ પૈસા દેવાની જરૂર રહેતી નથી.

