સુરત શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક કારખાનામાં આગ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. વધુમાં કારખાનામાં હાજર નવ લોકોને આગ લાગવાથી ઇજાઓ થઈ છે. આગના અહેવાલ મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના ભરતનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. ગુરુવારે સવારે લગભગ 5:00 વાગ્યે કાપોદ્રા વિસ્તારમાં આવેલ એમ્બ્રોઈડરીના ખારખાનામાં આગ લાગી હતી. આગ ફેલાઈ અને આખા કારખાનામાં ફેલાતા ત્યાં રાખવામાં આવેલો ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે નવ અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
કારખાનામાં રાખ્યા હતા 8 ગેસ સિલિન્ડર
ઘટના અંગે વિગતો આપતા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કારખાનામાં કુલ આઠ ગેસ સિલિન્ડર સંગ્રહિત હતા. આમાંથી બે સિલિન્ડરના વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. અધિકારીએ ઉમેર્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ચાર અલગ અલગ ફાયર સ્ટેશનના ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ લાગતા ફાયર ફાઇટર્સને જાણવા મળ્યું કે આગ ઝડપથી ફેલાઈ રહી છે. ફાયર બ્રિગેડના આગમન પહેલા જ એક LPG સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે આગ વધુ તીવ્ર બની હતી અને બે લોકોના મોત થયા હતા. આ ઘટના દરમિયાન આગના કારણે ઘણા અન્ય લોકો દાઝી ગયા હતા. ઘટનામાં કુલ નવ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.
જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર
પતરાની દીવાલ તોડીને ફાયરકર્મીઓ અંદર પ્રવેશ્યા
ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઇમારતના ત્રીજા માળે પતરાની દીવાલ તોડીને અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ ગયા. ઘટના દરમિયાન ઇમારતમાં ફસાયેલા કુલ 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી નવ લોકોને ઇજાઓ થઈ હતી જ્યારે બે લોકોના મોત થયા હતા.
