ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મંદિરના પૂજારી જમીનના માલિક નથી, પરંતુ તે માત્ર મંદિરના સેવક હોય છે. કોર્ટે એક પૂજારીની અપીલ ફગાવી દીધી જેણે જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિરની જમીન પર માલિકીનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો આપતાં ન્યાયાધીશ જે.સી. દોશીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વર્ષો સુધી ફક્ત પૂજા કરવાથી પૂજારીને મંદિરની જમીન પર અધિકાર મળતો નથી અને ના તો તે મંદિર તોડવાને રોકી શકે છે.
રમેશભાઈ ઉમાકાંત શર્મા વિરુદ્ધ આશાબેન કમલેશકુમાર મોદી અને અન્યોના કેસમાં ન્યાયાધીશ જે.સી. દોશીએ ઠરાવ્યું હતું કે પૂજારીને મંદિર તોડવાને લઈ રોકવાનો અથવા જમીનની માલિકીનો દાવો કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. અપીલ ફગાવી દેતા કોર્ટે પૂજારીની મર્યાદિત ભૂમિકા સ્પષ્ટપણે સમજાવી હતી.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું, “પુજારી જમીન માલિક નથી; તે ફક્ત દેવતાનો સેવક છે. એક સેવક તરીકે તે દાવો કરી શકતો નથી કે માલિક વતી તેની હાજરી ‘પ્રતિકૂળ કબજો’ બની ગઈ છે.” કોર્ટે એમ પણ કહ્યું કે ધાર્મિક સેવા ક્યારેય કાયદેસર માલિકીનો આધાર ના હોઈ શકે.
આખો મામલો શું છે?
આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે એક મહિલા જમીનમાલિકે તેની મિલકતની નજીક જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિર સામે વાંધો ઉઠાવ્યો અને તેને દૂર કરવા માટે સિવિલ કોર્ટમાં અરજી કરી. ટ્રાયલ કોર્ટ અને પ્રથમ અપીલ કોર્ટે મંદિરને દૂર કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ મંદિરના પૂજારીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. પૂજારીએ દલીલ કરી કે તે ઘણા વર્ષોથી ત્યાં પૂજા કરી રહ્યો હોવાથી, તેને ‘પ્રતિકૂળ કબજા’ હેઠળની જમીનનો માલિક માનવો જોઈએ.
પોલીસ ભરતી દરમિયાન દુ:ખદ ઘટના, યુવકે 5 km ની દોડ 4 મિનિટ વહેલી પૂર્ણ કરી ત્યારે જ જીવ ગયો
‘પ્રતિકૂળ કબજા’નો દાવો કેમ નકારી કાઢવામાં આવ્યો?
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જમીન પર માલિકી હકો મેળવવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે કબજો ખુલ્લો, સતત અને સાચા માલિક વિરુદ્ધ છે. જોકે આ કિસ્સામાં પૂજારીએ પોતે સ્વીકાર્યું હતું કે તે બધાની જાણકારી અને સંમતિથી પૂજા કરી રહ્યો હતો. આનો અર્થ એ છે કે તેમનો કબજો ના તો સંઘર્ષમાં હતો અને ના તો બળજબરીથી. કોર્ટે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં માલિકીનો દાવો કાયદેસર રીતે ટકી શકે નહીં.
ટ્રસ્ટ કે દેવતા તરફથી કોઈ દાવો નથી
બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, કોર્ટે એ પણ નોંધ્યું હતું કે વિવાદિત જમીન પર માલિકીનો દાવો કરવા માટે મંદિર ટ્રસ્ટ કે દેવતાનો કોઈ પ્રતિનિધિ આગળ આવ્યો નથી. એકલા પૂજારીએ દાવો દાખલ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે જાહેર રસ્તાઓ અથવા સરકારી જમીન પર બનેલા અનધિકૃત ધાર્મિક બાંધકામોનું રક્ષણ કરી શકાતું નથી. કોર્ટે એવી ચેતવણી પણ આપી હતી કે આવા બાંધકામો જનતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને કાયદાનો દુરુપયોગ કરીને અતિક્રમણને સુરક્ષિત કરવાના પ્રયાસો અસ્વીકાર્ય છે.
