માવઠાના માર વચ્ચે ખેડૂતોનું મનોબળ અડગ, રવિ પાકમાં રેકોર્ડબ્રેક વાવેતર

માવઠાના માર વચ્ચે ખેડૂતોનું મનોબળ અડગ, રવિ પાકમાં રેકોર્ડબ્રેક વાવેતર

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

વર્ષ 2025 ખેડૂતો માટે પડકારજનક સાબિત થયું હોવા છતાં રવિ સિઝનમાં રાજ્યભરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ રવી પાકનું કુલ વાવેતર 105.88 ટકા થયું છે.

રવિ પાકનું કુલ વાવેતર 49,16,570 હેક્ટર વિસ્તારમાં થયું છે.
રવિ પાકનું કુલ વાવેતર 49,16,570 હેક્ટર વિસ્તારમાં થયું છે.

ગાંધીનગર: ગુજરાતમાં સતત માવઠા, અતિવૃષ્ટિ અને હવામાનની અનિશ્ચિતતા વચ્ચે પણ રાજ્યના ખેડૂતોએ હિંમત હારી નથી. વર્ષ 2025 ખેડૂતો માટે પડકારજનક સાબિત થયું હોવા છતાં રવિ સિઝનમાં રાજ્યભરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ રવી પાકનું કુલ વાવેતર 105.88 ટકા થયું છે.

રાજ્યમાં હાલ રવિ પાકનું કુલ વાવેતર 49,16,570 હેક્ટર વિસ્તારમાં થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં થયેલા 48,36,164 હેક્ટર કરતાં અંદાજે 80 હજાર હેક્ટર વધુ છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર 46,43,439 હેક્ટર સામે આ વર્ષે લગભગ 2.73 લાખ હેક્ટરનો વધારો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે કુદરતી આફતો વચ્ચે પણ ખેડૂતોએ ખેતીથી પીછેહઠ કરી નથી.

રવિ સિઝનમાં સૌથી મહત્વનો ગણાતો પિયત ઘઉં પાકે તો નવો રેકોર્ડ સર્જ્યો છે. રાજ્યમાં પિયત ઘઉંનું વાવેતર 113.66 ટકા સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત બિન પિયત ઘઉંનું વાવેતર 84.75 ટકા નોંધાયું છે. મકાઈમાં 122 ટકા અને ચણામાં 121 ટકા જેટલું ઊંચું વાવેતર થયું છે. જુવારનું વાવેતર 95.46 ટકા, અન્ય ધાન્ય પાકોનું 103 ટકા, અન્ય કઠોળનું 100 ટકા અને રાઈનું વાવેતર 101 ટકા થયું છે. તેલબીજ પાકોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં વાવેતર 89 ટકા સુધી રહ્યું છે, જ્યારે શેરડીનું વાવેતર 94 ટકા નોંધાયું છે.

ગત ખરીફ સિઝનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. પાક તૈયાર થયા બાદ પણ અચાનક આવેલા વરસાદે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 11 હજાર કરોડ રૂપિયાથી વધુનું સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોને આર્થિક રીતે સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. સરકારની આ સહાય અને ખેડૂતોએ મેળવેલા અનુભવના આધારે રવી સિઝનમાં વાવેતર માટે વધુ હિંમત દાખવી છે.

શિયાળાની સિઝનમાં શાકભાજી પાકોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડુંગળી અને બટાટાનું વાવેતર 119 ટકા સુધી પહોંચ્યું છે. સાથે સાથે ઇસબગુલ, વરિયાળી અને જીરું જેવા નગદ પાકોમાં પણ સારો વધારો નોંધાયો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી વચ્ચે પણ ખેડૂતોએ વાવેતર ચાલુ રાખ્યું છે.

કુલ મળીને જોવામાં આવે તો, કુદરતી આપત્તિઓની પરવા કર્યા વિના ખેડૂતોએ રવી સિઝનમાં મક્કમ મનોબળ સાથે વાવેતર કર્યું છે. હાલ ખેડૂતોને આશા છે કે જો હવામાન સાથ આપે તો આ સિઝનમાં સોળ આની પાક ઉતરી શકે અને ગયા વર્ષની ખોટને આંશિક રીતે પૂરી કરી શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *