West Asia Battle : મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે કહ્યું છે કે તે દેશની શિપિંગ અને એનર્જી સિક્યોરિટી જાળવવા માટે અન્ય દેશો સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત ઈરાન સહિત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે, જેથી ઉર્જાનો પુરવઠો કોઇ અડચણ વગર ચાલુ રહે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દરિયાઇ નાવિકો ધરાવે છે. આપણા લગભગ 90% સમુદ્રી નાવિકો આંતરરાષ્ટ્રીય જહાજો પર કામ કરે છે. હાલમાં 22 જહાજો પર કુલ 611 ભારતીય ખલાસીઓ હાજર છે. આ સિવાય ઘણા ભારતીયો આ સમગ્ર ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. સરકાર તેમની કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. કેટલાક ખલાસીઓ પાછા પણ ફર્યા છે. 15 ઘાયલ નાવિકો ભારત પરત ફર્યા છે. અન્ય વિસ્તારોમાંથી પણ ભારતીય નાવિકો પરત આવી રહ્યા છે.
ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે
દેશમાં એલએનજી સપ્લાય પર રણધીર જયસ્વાલે કહ્યું કે તાજેતરના હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે એલએનજી (ગેસ)નો પુરવઠો પ્રભાવિત થયો છે. પરંતુ ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમામ હિતધારકો સાથે સંપર્કમાં છે અને માલસામાનની અવરજવર અવિરત ચાલુ રહે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ઉર્જા પુરવઠાને લઈને ચિંતા યથાવત્ છે. દરિયાઈ માર્ગોને અસર થઈ છે, ખાસ કરીને એલપીજી (રાંધણ ગેસ)ની ઉપલબ્ધતાને અસર થઈ છે. તેથી અત્યારે સરકાર સૌથી પહેલા ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા પર ધ્યાન આપી રહી છે. આ પછી જ કર્મિશિયલ ઉપયોગ માટે પુરવઠા અંગે નિર્ણય લેવામાં આવશે. હાલમાં જ બે ટેન્કર આવ્યા છે, જેનાથી થોડી રાહત મળી છે. ભારત વિશ્વના વિવિધ ભાગોમાંથી એલપીજી લાવવા માટે નવા વિકલ્પો પણ શોધી રહ્યું છે જેથી ઊર્જા સુરક્ષા જળવાઈ રહે.
ભારત વિશ્વના ઘણા દેશો પાસેથી તેલ ખરીદે છે
તેલની ખરીદી અંગે તેમણે કહ્યું કે ભારત વિશ્વના ઘણા દેશો પાસેથી તેલ ખરીદે છે. ટેન્કર માટે અલગ અલગ સ્થળોએથી આવવું સામાન્ય છે અને તે આવતું રહેશે. આમાં રશિયા પાસેથી ખરીદીનો પણ સમાવેશ થાય છે. તેને વધુ મોટા સમાચાર બનાવવાની જરૂર નથી કારણ કે આ સતત ચાલનારી પ્રક્રિયા છે અને ભારત પાસે ઘણા સ્રોતો છે.
રોઇટર્સના રિપોર્ટ પર તેમણે કહ્યું કે રોઇટર્સનો રિપોર્ટ સાચો નથી. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત મુદ્દાઓ પર સતત વાતચીત ચાલી રહી છે અને રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે તેણે વાસ્તવિક પરિસ્થિતિને સચોટ રીતે બતાવી નથી.
તેમણે કહ્યું કે અમે એલપીજી જ્યાં પણ ઉપલબ્ધ છે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી જો રશિયામાં એલપીજી ઉપલબ્ધ છે, તો અમે ત્યાંથી પણ ખરીદીશું. કારણ કે હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આપણા લોકોની બળતણની જરૂરિયાતો પૂરી થાય.
શિપિંગ મંત્રાલયે પશ્ચિમ એશિયા પર આપી લેટેસ્ટ અપડેટ, ભારતના ધ્વજ વાળા જહાજ અને તમામ નાવિકો સુરક્ષિત
ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે તેમણે કહ્યું કે ઈરાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાં કાશ્મીરના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. સરકાર તેમને પરત લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે અઝરબૈજાનની સરહદ પર જતા પહેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે, જેથીસ સરહદ પાર કરવામાં મદદ મળી રહે. આગામી થોડા દિવસોમાં તમામ વિદ્યાર્થીઓ સલામત રીતે ભારત પરત ફરશે તેવી અપેક્ષા છે.
ઊર્જા સ્થળો પર થયેલા હુમલા ખૂબ જ ચિંતાનો વિષય છે
ઊર્જા સ્થળો પર થયેલા હુમલા અંગે રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે શરૂઆતથી જ કહ્યું છે કે સામાન્ય લોકો સાથે જોડાયેલી સુવિધાઓ જેવી કે વીજળી અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન થવો જોઈએ. તાજેતરના સમયમાં અલગ-અલગ સ્થળોએ ઊર્જા સ્થળો પર થયેલા હુમલા ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પહેલાથી જ અસ્થિર વૈશ્વિક ઉર્જા પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આવા હુમલાઓ ખોટા છે અને તેને તાત્કાલિક બંધ કરવો જોઈએ.
બ્રિક્સ પર તેમણે કહ્યું હતું કે બ્રિક્સ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની સદસ્યતા અલગ-અલગ છે. બંને જૂથોમાં જુદા જુદા દેશો છે, તેથી કોઈ મુદ્દા પર દરેકની સર્વસંમતિ મેળવવી મુશ્કેલ બની જાય છે.
