મધ્યપ્રદેશમાં મોટો રાજકીય ભૂકંપ: ઉજ્જૈન જમીન સોદા મામલે ઘેરાયા CM મોહન યાદવ, કોંગ્રેસ આક્રમક

મધ્યપ્રદેશમાં મોટો રાજકીય ભૂકંપ: ઉજ્જૈન જમીન સોદા મામલે ઘેરાયા CM મોહન યાદવ, કોંગ્રેસ આક્રમક

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


ઉજ્જૈન જમીન વિવાદ ઉગ્ર બની રહ્યો છે. સીએમના પરિવાર દ્વારા ખરીદાયેલી જમીન વિવાદમાં કોંગ્રેસે CM મોહન યાદવનું રાજીનામું અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના તપાસ અહેવાલનો હવાલો આપીને સોમવારે કોંગ્રેસે મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર અને તેમની સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસે આ મામલાને સરકારી પદ અને ખાનગી જમીન ખરીદી વચ્ચેનો સંભવિત હિતોનો ટકરાવ ગણાવીને જવાબો માંગ્યા છે.

એક પત્રકાર પરિષદને સંબોધતા, મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે અને તેમણે મુખ્યમંત્રીના પરિવાર સાથે જોડાયેલી જમીનની માલિકીમાં થયેલા ઝડપી વધારા સામે સવાલો ઉઠાવ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ

પટવારીએ આક્ષેપ કરતા કહ્યું કે, “રામ મંદિરના દાનની કથિત ચોરીમાં ભાજપ સામેલ છે, અને આ પાર્ટી મહાકાલની જમીનના મામલામાં પણ સામેલ છે.”

આ તપાસ અહેવાલનો ઉલ્લેખ કરતા પટવારીએ જણાવ્યું હતું કે, યાદવના મુખ્યમંત્રી બન્યા પહેલા અને પછીના વર્ષોમાં તેમના પરિવાર સાથે જોડાયેલી જમીનોમાં મોટો વધારો થયો છે.

પટવારીએ કહ્યું કે, 13 ડિસેમ્બર, 2023 ના રોજ મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2021 અને 2023 ની વચ્ચે, તેમના પરિવારના નજીકના સંબંધીઓ પાસે કથિત રીતે આશરે 194 પ્લોટમાં ફેલાયેલી 253 એકર જેટલી જમીન આવી ગઈ હતી. તેનો અર્થ એ કે વર્ષ 2021 થી લઈને 13 ડિસેમ્બર, 2023 ના રોજ તેઓ સીએમ બન્યા તે સમયગાળા દરમિયાન તેમની જમીનોમાં જંગી વધારો થયો હતો. આ કેવી રીતે થયું? 

તેમણે ઉમેર્યું કે, જમીનની કુલ માલિકીના અહેવાલ મુજબ, આ પરિવાર અને સંબંધીઓ પાસે 245 પ્લોટમાં 335 એકર જમીન છે.

નિવેદનમાં જણાવાયું છે કે, “આ ખરીદીના બે સૌથી આશ્ચર્યજનક પાસાઓ એ છે કે મોટાભાગના પ્લોટ ઉજ્જૈનની આસપાસ નવી જાહેર કરાયેલી રોડ પરિયોજનાઓની નજીક આવેલા છે અને મોટાભાગના પ્લોટ ‘ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035’ હેઠળ ખેતીની જમીનમાંથી રહેણાંક અથવા વ્યાવસાયિક વપરાશમાં ફેરફાર કરવા માટે ચિહ્નિત કરાયેલા વિસ્તારોમાં આવે છે.

મુખ્યમંત્રી મોહન યાદવ રાજીનામું આપે અને સ્વતંત્ર તપાસ કરાવે…

પટવારીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી આ વ્યવહારો અંગે જાહેરમાં ખુલાસો કરે અને તેની સ્વતંત્ર તપાસ કરાવે.

તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ભ્રષ્ટાચારનું પર્યાય બની ગયું છે. રાજ્યની જનતા સામે આવા ગંભીર આરોપો અને પુરાવા હોવા છતાં, એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: આટલા ગંભીર આક્ષેપો પછી શું મુખ્યમંત્રી પોતાના પદ પર ચાલુ રહી શકે?

વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે આ બાબતને તાજેતરના વર્ષોમાં રાજ્યમાં સામે આવેલા સૌથી ગંભીર જમીન વિવાદોમાંનો એક ગણાવ્યો હતો.

સિંઘારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના પરિવારે ઉજ્જૈન અને તેની આસપાસ 335 એકર જમીન અને 245 પ્લોટ મેળવ્યા છે. તેમણે ઉમેર્યું કે આમાંની ઘણી ખરીદીઓ એવા વિસ્તારો સાથે જોડાયેલી છે જ્યાં ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિંઘારના જણાવ્યા અનુસાર, યાદવ જ્યારે ઉજ્જૈન વિકાસ સત્તામંડળ (UDA) ના અધ્યક્ષ તરીકે અને પાછળથી 2021 અને 2023 વચ્ચે ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે તેઓ પ્રસ્તાવિત રસ્તાઓ અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગોઠવણીથી સારી રીતે વાકેફ હતા.

મધ્યપ્રદેશના સૌથી મોટા જમીન કૌભાંડોમાંનું એક…

સિંઘારે આક્ષેપ કર્યો હતો કે, “આ મધ્યપ્રદેશના સૌથી મોટા જમીન કૌભાંડોમાંનું એક છે. માસ્ટર પ્લાનને ઉજ્જૈનના વિકાસ માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો ન હતો, પરંતુ મુખ્યમંત્રીના પરિવારના રિયલ એસ્ટેટ હિતોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો.”

આ કથિત વ્યવહારોને “ઇનસાઇડર ટ્રેડિંગ (અંદરની માહિતીનો દુરુપયોગ), પદનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર” નો મામલો ગણાવતા તેમણે કહ્યું કે, આ વિકાસ નથી પરંતુ સત્તાના ઓથાર હેઠળ રમાયેલી ખુલ્લી રમત છે. જો થોડી પણ નૈતિકતા બચી હોય તો મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

સિંઘારે કહ્યું, “મધ્યપ્રદેશની જનતા એક પરિવારના ફાયદા માટે સત્તા અને રાજ્યના વહીવટી તંત્રના આવા દુરુપયોગને સહન નહીં કરે.

મુખ્યમંત્રી મોહન યાદવ કે તેમની ઓફિસે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા તેના તારણો પર મોકલવામાં આવેલી વિગતવાર પ્રશ્નાવલી પર કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, રાજ્ય સરકારના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સીએમના પરિવાર દ્વારા કરવામાં આવેલી ખરીદીને તેમની સરકારમાં હાજરી સાથે સાંકળવી યોગ્ય નથી.

આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદ શું છે? જાણો એક્સપ્રેસ ઇન્વેસ્ટિગેશન





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *