ઓનલાઇન શોપિંગના આ યુગમાં સાયબર ઠગો અજાણતા લોકોનો શિકાર કરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. બેંગલુરુમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 56 વર્ષીય મહિલા સાથે છેતરપિંડી થઈ છે. આ મહિલા બગડી ગયેલા દહીંના પેકેટને પરત કરવા માટે ‘કસ્ટમર કેર’ નંબર શોધી રહી હતી. તેણે ગૂગલ પર મળેલો એક નંબર ડાયલ કર્યો જે કસ્ટમર કેરનો હોવાનું માનવામાં આવતું હતું અને થોડી જ વારમાં તેના બેંક ખાતામાંથી 98,000 રૂપિયા કપાઈ ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુના વસંતનગર વિસ્તારમાં પેલેસ રોડ પર રહેતી 56 વર્ષીય મહિલાએ 17 ઓક્ટોબરે ‘બ્લિંકિટ’ (Blinkit) નામના ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી મળ્યા બાદ તેને જાણ થઈ કે દહીંનું પેકેટ ખરાબ હાલતમાં હતું. આ વસ્તુ પરત કરવા અને રિફંડ મેળવવા માટે તેણે કંપનીનો કસ્ટમર કેર નંબર શોધવાનું નક્કી કર્યું.
ગૂગલ પર શોધ્યો કસ્ટમર કેર નંબર
મહિલાએ ગૂગલ પર કંપનીનો કસ્ટમર કેર નંબર શોધ્યો. પોલીસ ફરિયાદ મુજબ સર્ચ રિઝલ્ટમાં બે ફોન નંબર મળ્યા, જેમાંથી એક નંબર પર તેણે ફોન કર્યો તેને ખ્યાલ પણ નહોતો કે આ નંબર કોઈ સાયબર ફ્રોડ (છેતરપિંડી)નો ભાગ હોઈ શકે છે.
વોટ્સએપ પર લિંક મોકલી, ફોટો અપલોડ કરતા જ ફસાયા
ફરિયાદ અનુસાર ફોન ઉપાડનાર વ્યક્તિએ મહિલાને વોટ્સએપ પર એક લિંક મોકલી અને તેને બગડી ગયેલા દહીંના પેકેટનો ફોટો અપલોડ કરવા કહ્યું. આ સૂચના મુજબ મહિલાએ આપેલી લિંક દ્વારા ફોટો અપલોડ કર્યો.
ત્યારબાદ તરત જ અન્ય એક અજાણી વ્યક્તિએ તેને ફોન કરીને કહ્યું કે તેનું રિફંડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેને પોતાની ‘ગૂગલ પે’ એપ તપાસવા માટે કહ્યું. જેવી તેણે એપ ખોલી કે તરત જ તેના ‘બેંક ઓફ બરોડા’ના ખાતામાંથી 98,000 રૂપિયા કપાઈ ગયા.
પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના બપોરે 3:15 થી 3:16 વાગ્યાની વચ્ચે બની હતી. એટલે કે માત્ર એક જ મિનિટમાં મહિલાના ખાતામાંથી મોટી રકમ સેરવી લેવામાં આવી. પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે. તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ‘અમે કઈ સાધુ-સંત નથી કે… ‘, યોગી આદિત્યનાથના નિવેદન પર અખિલેશ યાદવનો આકરો પલટવાર
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયા બાદ તે મહિલાએ 23 ઓક્ટોબરે બેંગલુરુના સેન્ટ્રલ સાયબર ઈકોનોમિક એન્ડ નાર્કોટિક્સ (CEN) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે છેતરપિંડી અને અન્ય વ્યક્તિની ઓળખ ધારણ કરવા એટલે કે, કોઈ અન્ય વ્યક્તિ હોવાનો ઢોંગ કરીને અથવા તેમના પ્રતિનિધિ તરીકે વર્તીને લોકોને છેતરવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગુનેગારોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા ફોન નંબરો તથા લિંક્સની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
ખામીયુક્ત સામાન પરત કરવા અથવા રિફંડ મેળવવાની પ્રક્રિયાને લગતી સાયબર છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. આ વર્ષની શરૂઆતમાં, માર્ચ મહિનામાં બેંગલુરુમાં 65 વર્ષીય મહિલા સાથે આવી જ એક ઘટના બની હતી. તેમણે ઓનલાઈન ખરીદેલું બગડેલું દૂધ પરત કરવાનો પ્રયાસ કરતી વખતે ₹77,000 ગુમાવ્યા હતા.
આવા કિસ્સાઓમાં છેતરપિંડી કરનારાઓ “કસ્ટમર કેર” હોવાનો દાવો કરતા નંબરો પરથી પીડિતોનો સંપર્ક કરે છે. ત્યારબાદ તેઓ પીડિતોને લિંક્સ મોકલીને અથવા પેમેન્ટ એપ્લિકેશન્સ ખોલવા માટે સૂચના આપીને તેમને નિશાન બનાવે છે. કંપની પાસેથી મદદ મેળવવાની ઉતાવળમાં પીડિતો ઘણીવાર આ સૂચનાઓનું પાલન કરી બેસે છે, જેના પરિણામે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.
