Pneumonic Plague Causes, Signs And Prevention : રશિયાના સાઇબેરીયન ક્ષેત્ર ઇરકુત્સ્કમાં પ્લેગ વિરોધી સંશોધન સંસ્થાની 28 વર્ષીય મહિલા કર્મચારીનું ન્યુમોનિયાથી મોત થયા બાદ ચેપી રોગ અંગેની ચિંતા વધી ગઈ છે. મહિલાના મોત પછી, સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ન્યુમોનિક પ્લેગની આશંકા હતી, પરંતુ રશિયન આરોગ્ય અધિકારીઓએ હજી સુધી પ્લેગના ચેપની પુષ્ટિ કરી નથી.
સ્થાનિક અહેવાલો અનુસાર, મહિલા ઇરકુત્સક એન્ટિ પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી હતી અને 2 ઓક્ટોબરના રોજ તેનું મોત નીપજ્યું હતું. સંસ્થામાં કામ કરવાને કારણે, એવી આશંકા હતી કે તે પ્લેગના બેક્ટેરિયાના સંપર્કમાં આવી હતી કે નહીં.
જો કે, રશિયાની પબ્લિક હેલ્થ મોનિટરિંગ એજન્સી રોસ્પોટ્રેબ્નાડ્ઝરના જણાવ્યા અનુસાર, મહિલાની તપાસમાં તેના વ્યવસાય સાથે સંબંધિત કોઈ સૂક્ષ્મસજીવો બહાર આવ્યા નથી. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે સંસ્થામાં ખતરનાક સુક્ષ્મસજીવો સાથે સંકળાયેલા કોઈ અકસ્માતની જાણ થઈ નથી.
હાલ તો મહિલાના મોતનું સત્તાવાર કારણ ન્યુમોનિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેથી, અત્યારે તેને ન્યુમોનિક પ્લેગનો કેસ કહેવો યોગ્ય રહેશે નહીં. મહિલાના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને સાવચેતીના પગલા તરીકે ક્વોરેન્ટાઇન સહિતના અનેક પગલાં લેવામાં આવ્યા છે.
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, સામાન્ય વસ્તી માટે આરોગ્યનું જોખમ ઓછું છે. તમને જણાવી દઈએ કે ન્યુમોનિક પ્લેગ,S પ્લેગ રોગનું એક ગંભીર સ્વરૂપ છે, જે ફેફસાંને અસર કરે છે. આ રોગ યેર્સિનિયા પેસ્ટિસ (Yersinia pestis) નામના બેક્ટેરિયાથી ફેલાય છે. જો સમયસર જાણ થાય તો, તેની સારવાર એન્ટિબાયોટિક્સ વડે કરી શકાય છે, પરંતુ જો સારવારમાં વિલંબ થાય છે, તો તે ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે.
ન્યુમોનિક પ્લેગ થી શું ભારતને જોખમ છે?
નવી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ચેપી રોગ નિષ્ણાત ડો.જિતિન આહુજાએ જણાવ્યું હતું કે રશિયામાં બનેલી આ ઘટનાના આધારે ભારતમાં ગભરાવાની જરૂર નથી. સામાન્ય લોકોને માત્ર રશિયાના અહેવાલોના આધારે ગભરાવાની જરૂર નથી, પરંતુ જો કોઈ કેસ ખરેખર આ રોગ જેવો દેખાય છે, તો ડોકટરોએ તેને ઝડપથી ઓળખી લેવું જોઈએ. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ભારતમાં જોખમ ઘણું ઓછું છે. ન્યુમોનિક પ્લેગ દુર્લભ છે, પરંતુ તે એવા ચેપમાંથી એક છે જેમાં સમયસર રોગની ઓળખ કરવી અને તાત્કાલિક પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ન્યુમોનિક પ્લેગ અન્ય પ્લેગથી કેવી રીતે અલગ છે?
ન્યુમોનિક પ્લેગની ખાસ ખાસિયત એ છે કે તે શ્વસના ટીપાં દ્વારા ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાઈ શકે છે. આ જ કારણ છે કે તેના દર્દીની ઓળખ અને સારવારમાં વિલંબને ગંભીર માનવામાં આવે છે. ન્યુમોનિક પ્લેગ ઓરી જેવા રોગોની જેમ લાંબા સમય સુધી હવામાં હાજર રહેવાથી સરળતાથી ફેલાતો નથી, અથવા તે સામાન્ય ફ્લૂ જેટલો ચેપી નથી. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ ખાય છે અથવા લોહી વાળું થૂંક બહાર કાઢે છે ત્યારે મોટા શ્વસન ડ્રોપલેટ્સના સંપર્કમાં આવવાથી ચેપ ફેલાઈ શકે છે.
ન્યુમોનિક પ્લેગના લક્ષણો શું છે અને તે કેટલા સમય સુધી દેખાય છે?
cdc.gov પર આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્લેગનો ભોગ બન્યા બાદ શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે, જેમ કે
- અચાનક તીવ્ર તાવ આવવો
- ઠંડી લાગવવી અને ધ્રુજારી
- માથાનો દુખાવો
- શરીરમાં અતિશય નબળાઈ અથવા થાક
- ઉધરસ, જે ઝડપથી વધી શકે છે
- શ્વાસ લેવામાં તકલીફ
- છાતીમાં દુખાવો
- ઉધરસ સાથે પાણી જેવી અથવા લોહી વાળી લાળ
- ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે
ન્યુમોનિક પ્લેગના લક્ષણો સામાન્ય રીતે ચેપના 1 થી 3 દિવસની અંદર દેખાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, આ સમયગાળો 1 થી 7 દિવસ સુધીનો હોઈ શકે છે. આ રોગ ઝડપથી આગળ વધી શકે છે, તેથી પ્રારંભિક લક્ષણોને અવગણવા જોઈએ નહીં.
ન્યુમોનિક પ્લેગથી કોને વધુ ખતરો છે?
cdc.gov પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નેમોનિક પ્લેગથી સંક્રમિત વ્યક્તિના નજીકના સંપર્કમાં રહેલા લોકો, આરોગ્ય કર્મચારીઓ અને સંભાળ રાખનારાઓ, પ્લેગથી સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકો, પ્રયોગશાળામાં યેર્સિનિયા પેસ્ટિસ પર કામ કરતા કર્મચારીઓ અને જ્યાં પ્લેગ કુદરતી રીતે જોવા મળે છે ત્યાં રહેતા અથવા જતા લોકોનું જોખમ વધારે છે.
ચેપગ્રસ્ત બિલાડીઓ અથવા અન્ય પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકોને પણ ચેપનું જોખમ વધારે હોય છે, કારણ કે કેટલાક ચેપગ્રસ્ત પ્રાણીઓ બેક્ટેરિયાવાળા શ્વસન ટીપાં પણ ફેલાવી શકે છે.
ન્યુમોનિક પ્લેગની સારવાર શક્ય છે?
ડો.જિતિન આહુજાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ન્યુમોનિક પ્લેગની સારવાર અસરકારક એન્ટિબાયોટિક્સ સાથે કરી શકાય છે. સારવારમાં જેન્ટામાસિન, સિપ્રોફ્લોક્સાસિન અને ડોક્સિસાયક્લીન જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જેટલી વહેલી તકે સારવાર શરૂ કરવામાં આવે તેટલું સારું. ન્યુમોનિક પ્લેગમાં ફેફસાંને નુકસાન ઝડપથી વધી શકે છે. તેથી, લક્ષણો શરૂ થયા પછી 24 કલાકની અંદર સારવાર કરવી જરૂરી છે.
નિષ્ણાતોની સલાહ શું છે?
ડો.જિતિને કહ્યું કે ભારતમાં રશિયાના આ અહેવાલથી હાલ ગભરાવાની જરૂર નથી. પરંતુ તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઝડપથી બગડતા ન્યુમોનિયા જેવા લક્ષણોવાળા દર્દીમાં, ડોક્ટરે રોગના સંભવિત કારણો, તેમજ તેના મુસાફરીનો ઇતિહાસ અને ચેપના સંભવિત સંપર્કને ધ્યાનમાં લેવા જોઈએ. આ રોગના કિસ્સામાં સમયસર ઓળખ, તપાસ, આઇસોલેશન અને સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Disclaimer : આ લેખ સામાન્ય આરોગ્ય માહિતી અને ઉપલબ્ધ અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. રશિયામાં નોંધાયેલા કેસમાં ન્યુમોનિક પ્લેગની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો તમને લક્ષણો અથવા ચેપ વિશે કોઈ પણ પ્રકારની શંકા હોય, તો તમારી જાતે દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લો.
