Final Up to date:
નવસારી શહેરમાં પર્યાવરણની હરિયાળી અને ફૂલોની મહેકથી ભરપૂર એક અનોખો તહેવાર ઉજવાયો છે! નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાત દિવસીય ફ્લાવર શોએ શહેરવાસીઓના હૃદયમાં ખુશીની લહેર લાવી દીધી. રંગબેરંગી ફૂલોની 25થી વધુ પ્રજાતિઓ, કલાત્મક રીતે સજ્જ વનસ્પતિઓ અને પ્રકૃતિની અદ્ભુત સુંદરતાનું આ આકર્ષણ એટલું મનમોહક બન્યું કે એક લાખથી વધુ લોકોએ આ શોની મુલાકાત લીધી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાત દિવસીય ફ્લાવર શોનું રવિવારે ભવ્ય રીતે સમાપન થયું હતું. ફ્લાવર શોના આરંભથી જ શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને શોના બીજા દિવસે મેદાનમાં ફૂલો અને છોડ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રકૃતિ પ્રેમીઓ, બગીચા શોખીનો તેમજ સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં શો નિહાળવા પહોંચ્યા હતા.
મનપા દ્વારા શોમાં પ્રદર્શિત કરાયેલ વિવિધ 25 પ્રજાતિના ફૂલોના છોડ અને હરિયાળી વનસ્પતિઓને સામાન્ય જનતા માટે નજીવા દરે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવતા સવારથી જ લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ફ્લાવર શો પૂર્ણ થયા બાદ આ છોડ રાહત દરે આપવાની વ્યવસ્થા કરવામાં આવતાં નાગરિકો વહેલી સવારથી જ મેદાનમાં પહોંચી ગયા હતા.
ભીડ એટલી વધુ હતી કે વ્યવસ્થા જાળવવા માટે નવસારી મહાનગરપાલિકાના તંત્રને પ્રવેશ દ્વાર તેમજ અંદરના વિસ્તારમાં વધારાનો સ્ટાફ તૈનાત કરવો પડ્યો હતો. ટોકન પદ્ધતિથી છોડનું વિતરણ કરવામાં આવતું હોવાથી ગડબડ વગર લોકો સુધી છોડ પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મનપા કર્મચારીઓ સક્રિય રીતે ફરજ બજાવતા નજરે પડ્યા હતા.

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા આ છોડનું વિતરણ ટોકન દ્વારા રાહત દરે કરવામાં આવ્યું હતું. જેમાં એક છોડ 10 રૂપિયામાં, 9 છોડની ટ્રે 100 રૂપિયામાં, 24 છોડની ટ્રે 100 રૂપિયામાં અને 42 છોડની ટ્રે 200 રૂપિયાના દરે વેચવામાં આવી હતી. સસ્તા દરે ગુણવત્તાવાળા છોડ મળતા હોવાથી લોકોમાં ખાસ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવસારી મહાનગરપાલિકા દ્વારા મળતી માહિતી મુજબ આ છોડનું વિતરણ તારીખ 8 સુધી ચાલુ રહેશે. સાથે-સાથે મનપા દ્વારા વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે, આ સાત દિવસીય ફ્લાવર શોને અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ નિહાળ્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા મુલાકાતીઓએ આ અનોખા અને આકર્ષક આયોજનને ભરપૂર પ્રતિસાદ આપ્યો છે.

ફ્લાવર શોમાં મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રકારના ફૂલોના પ્લાન્ટ, સજાવટી છોડ અને પર્યાવરણને અનુકૂળ વનસ્પતિઓ લોકોને ખૂબ પસંદ આવી હતી. અલગ-અલગ પ્રકારના ફૂલોના છોડ લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી, જે આ આયોજનની સફળતા દર્શાવે છે. કુલ મળીને, નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શો પર્યાવરણ જાગૃતિ, હરિયાળીનો સંદેશ અને શહેરની સુંદરતામાં વધારો કરતું એક યાદગાર આયોજન રહ્યું.
Navsari,Gujarat
