Final Up to date:
ધુળેટી દરમિયાન રાજ્યમાં 3796 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા. આ સાથે સુરતમાં 455, વડોદરામાં 195 અને રાજકોટમાં 151 કેસ નોંધાયા છે. દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
ગાંધીનગર: ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. તહેવાર દરમિયાન રાજ્યભરમાં ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગઈકાલે (ચોથી માર્ચ) સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 3796 ઈમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 3266 કેસ નોંધાતા હોય છે. આ પ્રમાણે 530 વધુ કેસ નોંધાતા અંદાજે 16.22 ટકા જેટલો વધારો નોંધાયો છે.
જિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા. આ સાથે સુરતમાં 455, વડોદરામાં 195 અને રાજકોટમાં 151 કેસ નોંધાયા છે. દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. તે ઉપરાંત ભાવનગરમાં 110, જામનગરમાં 104, ગાંધીનગરમાં 94, પંચમહાલમાં 88 કેસ નોંધાયા હતા. તાપી અને છોટાઉદેપુર બંને જિલ્લામાં 87-87 કેસ નોંધાયા છે. ભરૂચમાં 86, ખેડામાં 84, મોરબીમાં 83 અને અમરેલીમાં 80 કેસ નોંધાયા છે.
બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસ નોંધાયા છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62, અરવલ્લીમાં 61 અને નવસારીમાં 60 કેસ નોંધાયા છે. મહીસાગર અને નર્મદા જિલ્લામાં 57-57 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47 અને ડાંગ તેમજ પોરબંદરમાં 44-44 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજ્યમાં ધુળેટીના તહેવાર દરમિયાન કેટલીક દુર્ઘટનાઓને કારણે માહોલ શોકમય બન્યો હતો. નદી, કેનાલ અને તળાવમાં ડૂબી જવાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 30 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સુરત જિલ્લામાં બે અલગ-અલગ બનાવોમાં કુલ 7 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં બે અલગ-અલગ બનાવોમાં 7 લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં બે બનાવોમાં 4, નર્મદા જિલ્લામાં 3 અને મહેસાણા જિલ્લામાં બે બનાવોમાં 3 લોકોના મોત થયા છે. ઉપરાંત અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.
Gandhinagar,Gujarat

