Final Up to date:
ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ ખાસ નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.
દ્વારકા: દ્વારકાના આંગણે બિરાજમાન દ્વારકાધીશના દર્શન અર્થે વર્ષ દરમિયાન લાખો ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. તેમાં પણ હાલ ધનુર્માસ ચાલતો હોવાથી તેનું વિશેષ મહત્વ હોય છે અને ભક્તોનો વધુ ધસારો જોવા મળતો હોય છે. ત્યારે હાલ ધનુર્માસ દરમિયાન દ્વારકા, બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમિયાન ભગવાનના દર્શન સહિતના નિત્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેની ભક્તોએ નોંધ લેવા જણાવ્યું છે.
માત્ર હાલાર, ગુજરાત જ નહીં પરંતુ દેશદુનિયાના અસંખ્ય લોકોના આસ્થાના સાગર સમાન દ્વારકાધીશ મંદિરમાં કાયમી ધોરણે ભક્તોની ભીડ રહેતી હોય છે. ત્યારે હાલ ધનુર્માસ નિમિત્તે આખા મહિનામાં ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરાનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે, જે ક્રમ મુખ્યત્વે ગુરુવાર તથા મંગળવારે કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ પર્વને લઈને દર્શન ક્રમમાં ફેરફાર થયો છે. આજે તા.16 ત્યારબાદ આગામી તા. 23, 25 ડિસેમ્બર અને 08 જાન્યુઆરીના રોજ મંગલા આરતી સવારે 5:30 વાગ્યે કરવામાં આવશે. જ્યારે સવારે 10:30 થી 5 વાગ્યા દરમિયાન મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે જેની દર્શનાર્થીઓએ નોંધ લેવી.
તા.16, ત્યારબાદ 23 અને 25મી ડિસેમ્બર તેમજ 8 જાન્યુઆરીના રોજ જગતમંદિરમાં ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલા અભિષેકનું મહત્વ હોવાથી મંગલા આરતી સવારે 5:30 કલાકે યોજાઈ હતી. બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક ક્રમ થશે. વધુમાં ધનુર્માસના આ ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે 5:30 થી 10:30 સુધીમાં સાત ભોગ ધરવામાં આવે છે તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે 9:45 કલાકે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને 10:30 કલાકે અનોસર(મંદિર બંધ) થશે. જ્યારે સાંજના ક્રમ નિત્યક્રમ અનુસાર યોજાશે. મહત્વનું છે કે હાલ શિયાળો હોવાથી ભગવાનને વારંવાર શીતકાલીન શૃંગાર પણ કરવામાં આવે છે, જે દર્શનનો લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવે છે.
Dwarka,Jamnagar,Gujarat
December 16, 2025 11:09 AM IST

