Final Up to date:
દ્વારકાના ઓખામાં નવપરણિત દંપતી વચ્ચે વિખવાદથી પતિએ પોતાને આગ લગાડી પત્નીને બાથ ભરી હતી, જે ઘટનામાં બંનેને સળગતા જોઈ બચાવવા પડેલી યુવતીની મા પણ ગંભીર રીતે દાઝી ગઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ કરી છે.
દેવભૂમિ દ્વારકા: ઓખા ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નવપરણિત યુવકે લગ્નજીવનમાં ચાલી રહેલા ઉગ્ર કલહ અને વિખવાદને કારણે ગુસ્સે ભરાઈને પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને બાદમાં તેની પત્નીને બાથ ભરી લીધી હતી. આ ઘટનામાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે તેમને બચાવવા દોડી આવેલી યુવતીની મા પણ આગની ઝપેટમાં આવીને દાઝી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આજથી ત્રણ મહિના અગાઉ જ આ દંપતીએ કોર્ટ મેરેજ કર્યા હતા, જોકે લગ્નજીવનના આટલા ટૂંકાગાળામાં જ બંને વચ્ચે ઉગ્ર કલહ અને વિખવાદ થઈ રહ્યો હતો, ત્યારે આ યુવતી પોતાના પિયર તેની મમ્મી સાથે રહેવા લાગી હતી. આ વાતનું દુ:ખ રાખીને રોષે ભરાયેલો તેનો પતિ તેના સાસરે એટલે કે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને શરૂઆતમાં સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો.
ઘટના દરમિયાન ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, આ યુવકે તેની પત્નીની નજર સામે જ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝઘડાના દરમિયાન ગુસ્સે ચઢેલા યુવકે અચાનક પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી અને પત્નીને વળગી પડ્યો હતો. જેથી થોડીક જ ક્ષણોમાં બંને સળગવા લાગ્યા હતા. આ ભયાવહ દૃશ્ય જોઈને યુવતીની માતા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી, ત્યારે તે પણ આગનો ભોગ બની અને ગંભીર રીતે દાઝી હતી.
ઘટના બાદ આ ત્રણેય ઇજાગ્રસ્તો પતિ, પત્ની અને યુવતીની માને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, દંપતીની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી લીધો છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ત્યારે દંપતી વચ્ચે લગ્ન પછીથી પારિવારિક વિખવાદને કારણે વારંવાર ઝઘડા થતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલ આ અત્યંત દુ:ખદ અને કાળજું કંપાવનારી ઘટના મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, અને ત્રણેય ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યારે આ ઘટનાએ ઓખા અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે અને નવા લગ્નજીવનમાં પારિવારિક સમજણ અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.
Dwarka,Jamnagar,Gujarat
November 15, 2025 4:18 PM IST

