ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. રસ્તા પર જગ્યા આપવા જેવી નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગયો હતો. આ ‘રોડ રેજ’ (Highway Rage) દરમિયાન થયેલા ફાયરિંગમાં મોર્નિંગ વોક પર નીકળેલા નિવૃત્ત બ્રિગેડિયર એમ.કે. જોશી (Brigadier M K Joshi) ને ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું છે.
સવારના 6.40 વાગ્યે લોહિયાળ ખેલ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સવારે અંદાજે 6.40 વાગ્યે બની હતી. મસૂરી રોડ પર માલસી પાસે દિલ્હી પાસિંગની ફોર્ચ્યુનર (Fortuner) અને સ્કોર્પિયો (Scorpio) કારના ચાલકો વચ્ચે રસ્તો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો અને બંને કાર વચ્ચે ફિલ્મી સ્ટાઈલની ‘હાઈ-સ્પીડ ચેઝ’ શરૂ થઈ ગઈ.
ટાયર પર નિશાન સાધતા છૂટેલી ગોળી બ્રિગેડિયરને વાગી
સ્કોર્પિયોમાં સવાર શખ્સોએ ફોર્ચ્યુનરને રોકવા માટે તેના ટાયર પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ગોળી નિશાન ચૂકી ગઈ અને રસ્તાની બાજુમાં મિત્રો સાથે મોર્નિંગ વોક કરી રહેલા નિવૃત્ત બ્રિગેડિયર એમ.કે. જોશીની છાતીમાં વાગી. ગોળી વાગતાની સાથે જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક મેક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત અને હુમલો
ફાયરિંગને કારણે ફોર્ચ્યુનર કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને જોહરી ગામની પ્રાથમિક શાળા પાસે કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સ્કોર્પિયોમાં સવાર શખ્સોએ નીચે ઉતરીને ફોર્ચ્યુનરમાં સવાર લોકો પર હુમલો કર્યો અને ગાડીમાં તોડફોડ કરી હતી. ફોર્ચ્યુનરમાં સવાર બે લોકો ઘાયલ થયા છે, જ્યારે સ્કોર્પિયો સવાર તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ
સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસ
બ્રિગેડિયર જોશીના સાળા રાકેશ ઉપ્રેતી, જેઓ ઘટના સમયે તેમની સાથે જ હતા, તેમણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. દેહરાદૂન પોલીસે આખા જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે અને સઘન ચેકિંગ શરૂ કર્યું છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના રસ્તાઓના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય.
સુરક્ષા સામે સવાલ
શાંત ગણાતા દેહરાદૂન શહેરમાં ધોળે દિવસે અને એ પણ મોર્નિંગ વોક જેવી સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન આવી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. રોડ રેજની આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને લોકોની વધતી જતી આક્રમકતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
