Final Up to date:
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા.
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા. એટલું જ નહીં, રઘુવંશી સમાજની બહેનો દ્વારા 3000 થી વધુ રોટલાઓ બાપાના ચરણોમાં ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન રક્તદાન કેમ્પ અને નાત જમણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજના સમૂહ પ્રસાદમાં રઘુવંશી સમાજની બહેનો દ્વારા એકઠા કરાયેલ 3000 જેટલા રોટલાનો ઉપયોગ કરાશે.
મહિલા કાર્યકર સપનાબેન કાનાણીએ જણાવ્યું કે ‘દેને કો ટુકડો ભલો લેને કો હરી નામ’ એવું અખંડ જીવન ધ્યેય આપનાર અને કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન પૂજ્ય જલારામ બાપાની આજે 144 મી પુણ્યતિથિ છે. જેની સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ ખંભાળિયા ખાતે પણ આ અવસર ઉજવાઈ રહ્યો છે. લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ, ખાસ અવસરને લઈને ભક્તો માટે દર્શનનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

ખંભાળિયા ખાતે આયોજિત આ પ્રસંગમાં ધાર્મિકતા સાથે સમાજ સેવાનો પણ સમન્વય જોવા મળ્યો હતો. માત્ર અન્નકૂટ અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો નહીં પરંતુ સમાજને ઉપયોગી થવાના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનવ સેવાના ભાવ સાથે મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે રક્તદાન કેમ્પમાં સમાજ અગ્રણીઓ અને યુવાઓ ઉમટી પડી ધિંગુ રક્તદાન કરશે.
આ પણ વાંચો: ઉનાળામાં ફક્ત બે મહિના મળે છે આ ફળ, દુબળા લોકોને પણ બનાવી દે પહેલવાન
એટલું જ નહીં, સમાજના લોકોને ઉપયોગી થવાના ઉદ્દેશો સાથે રેશનકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ પણ યોજાઈ રહ્યો છે. જેમાં લોકો જરૂરી ડોક્યુમેન્ટ સાથે કાર્ડ કઢાવી શકશે. બીજી તરફ, જેના અન્ન ભેગા તેના મન ભેગા એવા ઉદ્દેશ અને સાર્થક કરવા રાત્રે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સેવા, ભક્તિ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ ઉજવાઈ રહ્યો છે.
Jamnagar,Gujarat
February 23, 2025 4:02 PM IST
