Final Up to date:
ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ લોકોને જળવાયુ પરિવર્તન અંગે જાગૃત કરવાનો છે.
પાટનગર ગાંધીનગરમાં તારીખ 1 થી 7 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગાંધીનગર સ્થિત નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકૃતિપ્રેમ ભાગવત કથામાં જાણીતા ભાગવત કથાકાર રમેશ ઓઝા શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.
આ અંગેની વિગતો આપતા ગાંધીનગર સ્થિત નેચર ફર્સ્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, “વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગવતકાર રમેશભાઈ ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંગેનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા મહેન્દ્રભાઈ ત્રિવેદી કહે છે કે, જાણીતા ભાગવતકાર શ્રી રમેશભાઈ ઓઝાના માધ્યમથી અમે વિશ્વમાં પ્રકૃતિપ્રેમનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ.
નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન
આ પ્રકૃતિ પ્રેમ ભાગવતકથાના સમગ્ર આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા રૂપરેખા આપતા મહેન્દ્ર ત્રિવેદીએ કહે છે. “વિશ્વ આજે જળવાયુ પરિવર્તનથી ત્રસ્ત છે. કોઈ અઠવાડિયું એવું પસાર નથી થતું, જ્યારે વિશ્વના કોઈપણ દેશ પર કુદરતી આફત આવી ન હોય. ત્યારે આ સંજોગોમાં આ સમસ્યાનો ઉકેલ આણવા પ્રયાસો કરવા જોઈએ. આમ જુઓ તો આ સમસ્યાનો ઉકેલ સરળ છે, માત્ર આપણે આપણી રોજિંદી જીવનશૈલી બદલવાની જરૂર છે. અને તે અંગે જાગૃતિ લાવવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ.”
મહેન્દ્રભાઈ ત્રિવેદીએ આગળ કહ્યું, “Gen Z”માં પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે સમજ છે, ભલે તે ડરના કારણે હોય. તેઓ કહે છે, વિશ્વભરમાં “Purchase Nothing App” પ્રચલિત છે. જેમાં લોકો પોતાની પાસે રહેલી બિનજરૂરી- બિનઉપયોગી ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદને આપે છે. જેથી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટાડી શકાય. પરિણામે, કાર્બન ઉત્સર્જન ઘટે અને પર્યાવરણને નુકસાન થતું અટકે”.
પ્રકૃતિપ્રેમ ભાગવત કથા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ઊભી કરવા માટે વિવિધ યુનિવર્સિટીઓમાં દેશના વિખ્યાત વૈજ્ઞાનિકોના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત ડો.લાલસિંહ( વૈજ્ઞાનિક NEERI), પ્રો. ચેતનસિંહ સોલંકી (ભુતપૂર્વ અધ્યાપક ,IIT , મુંબઈ), ડો. નિલેશ દેસાઈ( અંતરીક્ષ વૈજ્ઞાનિક , ISRO), ડો. પાંડે( IIT ,ગાંધીનગર) , ડો.મિનેશ શાહ (ચેરમેન, NDDB) સહિતના મહાનુભાવો વક્તવ્ય આપશે.
Ahmedabad,Gujarat
ગાંધીનગર: વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન, જળવાયુ પરિવર્તનથી પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે લોકોને કરશે જાગૃત

