ખરા અર્થમાં આરોગ્ય મંદિર! એક વર્ષમાં 2.60 લાખ દર્દીઓની સારવાર, લોકોના 50 કરોડ બચ્યા

ખરા અર્થમાં આરોગ્ય મંદિર! એક વર્ષમાં 2.60 લાખ દર્દીઓની સારવાર, લોકોના 50 કરોડ બચ્યા

બ્લોગ BLOG
Spread the love


અમરેલી: સાવરકુંડલામાં સ્થિત શ્રી લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિર આજે ગુજરાતભરમાં માનવતાપૂર્ણ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ માટે એક આગવી ઓળખ ધરાવે છે. આ સંસ્થાએ ગયા વર્ષે લગભગ 2.60 લાખ દર્દીઓને સારવાર આપી સમાજસેવામાં અદ્યતન ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો આ તમામ દર્દીઓએ ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલોમાં સારવાર લીધી હોત, તો અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાત, જે આ આરોગ્ય મંદિરના કારણે દર્દીઓ અને તેમના પરિવારો માટે બચી ગયો છે.

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પ્રકાશ કટારીયાએ જણાવ્યું કે તેઓ શ્રી લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલામાં ફરજ બજાવે છે, જે 100 ટકા નિઃશુલ્ક મેડિકલ સેવાઓ આપે છે. અહીં કોઈપણ દર્દી પાસેથી કોઈપણ તપાસ, સારવાર, ઓપરેશન, દવાઓ કે દાખલ દરમિયાનની કોઈપણ સુવિધા માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. માત્ર એટલું જ નહીં, દર્દી સાથે આવતા સગા-સંબંધીને પણ રહેવા, ભોજન અને જરૂરી સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ માનવતાવાદી અભિગમને કારણે આ સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની છે.

આ આરોગ્ય મંદિરનો શુભારંભ વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદથી થયો હતો. વર્ષ 2015માં શરૂ થયેલી આ સંસ્થાએ શરૂઆતમાં થોડા વિભાગો સાથે સેવા કાર્ય શરૂ કર્યું હતું. સમય જતાં એક પછી એક નવા વિભાગો ઉમેરાતા ગયા અને આજે આ સંસ્થા એક વટવૃક્ષ સમાન વિકસિત થઈ ગઈ છે. નાનકડી શરૂઆત કરેલી આ સંસ્થા આજે વિશાળ આરોગ્ય કેન્દ્ર બની સમાજને સેવા આપી રહી છે.

લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સામાન્ય રોગોની તપાસથી લઈને ગંભીર બીમારીઓની સારવાર સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અદ્યતન તબીબી સાધનો, સુસજ્જ ઓપરેશન થિયેટર, અનુભવી ડોક્ટરો અને તાલીમપ્રાપ્ત નર્સિંગ સ્ટાફના કારણે અહીંની સુવિધાઓ ઘણી કોર્પોરેટ હોસ્પિટલને પણ ટક્કર આપે તેવી છે. છતાં, અહીં દરેક સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય આ સંસ્થા અનન્ય સ્થાન ધરાવે છે.

ગત એક વર્ષના આંકડાઓ સંસ્થાની સેવા ભાવનાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. છેલ્લા એક વર્ષમાં OPD એટલે કે બહારગામ સારવાર માટે કુલ 2,60,000 દર્દીઓ આવ્યા હતા. જો આ દર્દીઓએ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોત, તો અંદાજે 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાત. આ ઉપરાંત IPD એટલે કે દાખલ દર્દીઓની સંખ્યા 22,000થી વધુ રહી હતી. આ તમામ દર્દીઓના ઓપરેશન, દવાઓ, તપાસ અને અન્ય તમામ સારવારનો ખર્ચ જો ખાનગી હોસ્પિટલમાં થયો હોત, તો તે 35 કરોડ રૂપિયાથી વધુ થાત. આમ, માત્ર એક જ વર્ષમાં કુલ મળીને 50 કરોડ રૂપિયાથી વધુની નિઃશુલ્ક સારવાર સમાજને મળી છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદની આગાહી! કેરીના પાકને થઈ શકે નુકસાન, બાગાયત વિભાગની એડવાઈઝરી જાહેર

આ આંકડાઓ માત્ર આર્થિક બચત દર્શાવતા નથી, પરંતુ હજારો પરિવારોના ચહેરા પર આવેલી ખુશી અને આશાનું પ્રતીક છે. અનેક દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળવાથી નવું જીવન મળ્યું છે. ડૉ. પ્રકાશ કટારીયાના જણાવ્યા મુજબ, આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દર્દીને ભગવાન નારાયણ સમજીને સેવા કરવાનો છે. અંતમાં, આ આરોગ્ય મંદિરની સેવા વધુ વિસ્તરે અને વધુ ને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી તેનો લાભ પહોંચે તેવી સૌએ પ્રાર્થના કરી હતી. શ્રી લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિર માત્ર એક હોસ્પિટલ નહીં, પરંતુ માનવતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત મંદિર બની સમાજ માટે પ્રેરણારૂપ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *