Final Up to date:
દેેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રખડતા ઢોરે અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે, ત્યારે વધુ એક યુવકે રખડતા આખલાના ત્રાસથી જીવ ગુમાવ્યો છે. હકીકતમાં પ્રવિણભાઈ નામના યુવક એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા. જે બાદ હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, 42 વર્ષીય પ્રવિણભાઈ એક્ટિવા મારફતે નવી કોર્ટ બિલ્ડિંગ સામેના મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક રખડતા ઢોરે તેઓને અડફેટે લીધા હતા. જે બાદ તેઓ એક્ટિવા પરથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ પ્રવિણભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો
આ અંગે ખંભાળિયા જનરલ હોસ્પિટલના ડો. કેતન ભારતીએ જણાવ્યું કે, 8.30 વાગ્યાના સમયે હોસ્પિટલમાં એક ઈમરજન્સી કેસ તરીકે 42 વર્ષીય પ્રવિણભાઈ કાળુભાઈ રામાને લવાયા હતા. જેમની ડોક્ટર દ્વારા તપાસ કરતા તેઓ મૃત હાલતમાં જણાઈ આવ્યા હતા. જે અંગે મૃતકને લાવનાર વ્યક્તિની પૂછપરછ કરતા એવું જણાઈ આવ્યું હતું કે, ખંભાળિયા કોર્ટની સામેની બાજુએ એક આખલાએ ભેટ મારતા તેઓ એક્ટિવા પરથી નીચે પડ્યા હતા અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને પ્રવિણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા. પરંતુ તેઓ બચી શક્યા નહીં.
તંત્રના ભોગે જીવ ગુમાવવાનો આવ્યો વારો!
ખંભાળિયામાં રખડતા ઢોરને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે અને અકસ્માતોની ઘટના હજુ પણ ચાલુ જ છે. ત્યારે આ મામલે તંત્ર કોઈ એક્શન લેવા વધુ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા ઘણા સવાલો ઉભા થયા છે. પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં જ હોય તેવું લાગી રહ્યું છે.
Dwarka,Jamnagar,Gujarat
March 13, 2025 3:06 PM IST

