સમગ્ર દેશમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહતની અપેક્ષા છે. સરકાર કેન્સરની કેટલીક મોંઘી દવાઓ પર ‘ટ્રેડ માર્જિન’ (વેપાર નફાનું પ્રમાણ) 30 ટકા સુધી મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે. આ પગલાથી પસંદગીની દવાઓની છૂટક કિંમત (MRP)માં 70 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના પરિણામે દર્દીઓના સારવાર પાછળ થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર કેન્સરની એવી મોંઘી દવાઓની ઓળખ કરી રહી છે જેનો ઉપયોગ દર્દીઓની સારવારમાં નિયમિતપણે થાય છે. સૂચિત વ્યવસ્થા હેઠળ આ દવાઓ પરનું ટ્રેડ માર્જિન વિતરકની પડતર કિંમત (કોસ્ટ) પર 30 ટકા સુધી મર્યાદિત કરવામાં આવશે.
કેટલીક પેટન્ટ ધરાવતી દવાઓનો પણ સમાવેશ
સરકાર ખાસ કરીને એવી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેની કિંમત હાલમાં ખૂબ વધારે છે. તેમાં પેટન્ટ ધરાવતી કેટલીક દવાઓનો પણ સમાવેશ થઈ શકે છે. મોંઘી દવાઓ પરના ઊંચા ટ્રેડ માર્જિનને કારણે ઘણીવાર દર્દીઓ પર ભારે આર્થિક બોજ પડે છે.
MRPમાં 70% સુધીના ઘટાડાનો અંદાજ
સરકારની આ પહેલની દવાઓની છૂટક કિંમતો પર મોટી અસર પડવાની અપેક્ષા છે. અધિકારીઓનું કહેવું છે કે, અમુક દવાઓની વર્તમાન કિંમતો અને ટ્રેડ માર્જિનને જોતા તેમની MRPમાં 70 ટકા સુધીનો ઘટાડો શક્ય છે.
જોકે વાસ્તવિક લાભ એ વાત પર નિર્ભર રહેશે કે અંતિમ યાદીમાં કઈ દવાઓનો સમાવેશ કરવામાં આવે છે અને ટ્રેડ માર્જિનમાં થયેલા ઘટાડાનો લાભ કઈ હદ સુધી અસરકારક રીતે ઓછી કિંમતોના સ્વરૂપમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે.
સરકારે 2019માં પણ આવું જ પગલું ભર્યું હતું
સરકારે કેન્સરની દવાઓ પરના ટ્રેડ માર્જિન (વેપાર નફાના ગાળા)ને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું આ પહેલીવાર નથી. 2019માં એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કેન્સરની 42 દવાઓ માટે ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે તે પહેલને આગળ વધારીને સરકાર ચોક્કસ મોંઘી દવાઓને જે દર્દીઓ અને તેમના પરિવારો પર સૌથી વધુ આર્થિક બોજ નાખે છે આ નિયમનકારી માળખા હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે.
DGHSના નેતૃત્વમાં સમિતિ યાદી તૈયાર કરી રહી છે
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)ની અધ્યક્ષતામાં એક સમિતિ હાલમાં આ નવી સિસ્ટમ હેઠળ સમાવિષ્ટ થનારી દવાઓની યાદી તૈયાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂચિત વ્યવસ્થા લગભગ 10 દિવસમાં અમલમાં આવી શકે છે. યાદી માટે દવાઓની પસંદગી કરવા માટે કેટલાક મુખ્ય માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભારતમાં કેન્સરની સારવાર માટેની મંજૂરી, નિયમિત ઉપયોગ અને સૌથી મહત્વપૂર્ણ બાબત, દવાની ઊંચી કિંમતનો સમાવેશ થાય છે.
સરકાર ઓછી કિંમતની દવાઓ અંગે કેમ સાવચેત છે?
સરકાર હાલમાં કેન્સરની તમામ દવાઓ પર 30% માર્જિનની મર્યાદા લાદવાની તરફેણમાં નથી. અધિકારીઓનું માનવું છે કે જો ઓછી કિંમતની દવાઓ પર પણ માર્જિનની મર્યાદા લાદવામાં આવે, તો કંપનીઓને તેમના માર્કેટિંગ અને વિતરણ ખર્ચને આવરી લેવામાં મુશ્કેલી પડી શકે છે.
આનાથી બજારમાં કેટલીક પરવડે તેવી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં કંપનીઓની રુચિ ઘટી શકે છે, જે સંભવિતપણે તેની ઉપલબ્ધતાને અસર કરી શકે છે. તેથી સરકાર એવી દવાઓ પસંદ કરવાનું લક્ષ્ય રાખી રહી છે કે જેમાં કિંમતમાં ઘટાડો કરવાથી સપ્લાય ચેઇનને (પુરવઠા વ્યવસ્થાને) ખલેલ પહોંચાડ્યા વિના દર્દીઓને સૌથી વધુ લાભ મળે.
લાંબા ગાળાની સારવાર લેતા દર્દીઓને નોંધપાત્ર લાભ મળી શકે છે
કેન્સરની સારવાર ઘણીવાર લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે ઘણા દર્દીઓએ સતત મોંઘી દવાઓ પર નિર્ભર રહેવું પડે છે. પરિણામે દવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થવાથી પરિવારો દ્વારા ભોગવવામાં આવતા સારવારના કુલ ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે.
જો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો આ સૂચિત યોજના દેશમાં કેન્સરની મોંઘી સારવારના ખર્ચના સંદર્ભમાં ‘ગેમ-ચેન્જર’ (પરિવર્તનકારી પગલું) સાબિત થઈ શકે છે. જોકે તેની અંતિમ અસર સરકાર દ્વારા બહાર પાડવામાં આવનારી દવાઓની યાદી અને નવા માર્જિનના આધારે કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવતી કિંમતો પર નિર્ભર રહેશે.
