Final Up to date:
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક 30 વર્ષીય વિધવા યુવતી સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને લોનના હપ્તાનો ટેક્સટ મેસેજ મોકલીને ફસાવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: નરોડામાં રહેતી વિધવા યુવતી સાયબર ઠગાઈનો શિકાર બની છે. ગઠિયાઓએ લોનનો હપ્તો બાઉન્સ થયો છે. તેવા પ્રકારનો મેસેજ યુવતીના પતિના મોબાઈલ પર મોકલીને ઠગાઈની જાળમાં ફસાવ્યા હતા. બાદમાં યુવતી બેંકમાં ગઈ ત્યારે તપાસ કરતા માલુમ પડ્યું કે તેના પતિના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.3.56 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. જેથી યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
નરોડામાં 30 વર્ષીય ફરિયાદી તેના દીકરા સાથે રહે છે અને પતિના અવસાન બાદ પાડોશમાં રસોઈ બનાવવાનું કામકાજ કરીને પોતાનું અને દીકરાનું ભરણપોષણ કરે છે. યુવતીના પતિનું બીમારીના લીધે મૃત્યુ નીપજ્યા બાદ પતિના ત્રણ બેંકમાં એકાઉન્ટ હતા અને યુવતીએ બે બેંક એકાઉન્ટ બંધ કરાવીને એક એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું. કારણકે તેમાં વિધવા સહાય તથા ઇન્શ્યોરન્સના રૂપિયા આવવાના હોવાથી એક બેંકનું એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું.
ગત જાન્યુઆરી મહિનામાં યુવતીના પતિના મોબાઈલમાં મેસેજ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે બેંકમાંથી પર્સનલ લોન લેવામાં આવી હતી તેનો હપ્તો બાઉન્સ થયો છે. આથી યુવતીએ બેંકની મોબાઈલ એપ્લિકેશન ચેક કરતા તેમાં જાણવા મળ્યું કે તેના પતિએ ગતવર્ષના નવેમ્બર મહિનામાં રૂ.3.12 લાખની લોન મંજુર થયેલ છે અને રૂ.44 હજાર બેંકના ક્રેડિટ કાર્ડના એકાઉન્ટમાં જમા થયા છે.
આ સમગ્ર મામલે યુવતીએ બેંકની મેઈન બ્રાંચમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના પતિના એકાઉન્ટમાંથી લોન કરવા તથા ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.3.56 લાખ ટ્રાન્સફર કરી લઈને ઠગાઈ આચરવામાં આવી છે. ઉપરાંત બેંકના કર્મીઓએ યુવતીને જણાવ્યું કે તેમની સાથે સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. એટલે યુવતીએ તાત્કાલિક સાયબર હેલ્પ લાઈનમાં જાણ કરીને આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ અન્ય ખુલાસો સામે આવશે. જોકે આરોપીઓ આ સિવાય અન્ય કોઈની સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.
Ahmedabad,Gujarat

