Final Up to date:
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક શખ્સે તેની પૂર્વ પત્નીના પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને દબોચી લીધો છે. જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: શહેરના ફતેવાડી આર.સી.સી. રોડ પર આવેલા હમીદાનગરમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. સરખેજ પોલીસને જાણ કરાતા જ પીસીઆર વાન ગણતરીના સમયમાં સ્થળ પર પહોંચી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ઇજાગ્રસ્ત યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આમ, મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેથી આ બનાવને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે અહીં રહેતી એક મહિલાના પૂર્વ પતિએ જ તેના પતિની હત્યા કરી હતી. પોલીસે સ્થળ પરથી જ આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ફતેવાડી આર.સી.સી. રોડ પર આવેલા હમીદાનગરમાં રહેતી અફસાનાબાનુના અગાઉ જાફરખાન પઠાણ સાથે લગ્ન થયા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન રહેતા અફસાનાબાનુ તેના છ સંતાનો સાથે 32 વર્ષીય આમીર શેખ સાથે રહેવા ગઈ હતી.
અફસાનાબાનુ, પતિ આમીર શેખ અને ફતેવાડીના હમીદાનગરમાં રહેતા હતા. પતિ આમીર વેલ્ડિંગનું કામ કરતો હતો. આમીર શેખ અવારનવાર અફસાનાબાનુ અને તેના છ સંતાનો સાથે ઝઘડા કરીને ત્રાસ આપીને માર મારતો હતો. આ અંગે અફસાનાબાનુના પૂર્વ પતિ જાફરખાન પઠાણને જાણ થતા તે શુક્રવારે પૂર્વ પત્નીના ઘરે આવ્યો હતો. અહીં આવ્યા બાદ આમીર અને જાફરખાન વચ્ચે માથાકૂટ થઈ હતી.
બંને વચ્ચે થયેલી માથાકૂટનું ઉગ્ર પરિણામ આવતા મારામારી થઈ જેમાં જાફરખાને છરીથી હુમલો કરતા આમીર લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ઢળી પડ્યો હતો. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સરખેજ પોલીસની ટીમો ત્યાં પહોંચી હતી. પોલીસે તપાસ કરતા આમીરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બીજી બાજુ જાફરખાન પઠાણને પણ પોલીસે સ્થળ પરથી જ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જો કે પૂછપરછ દરમિયાન અન્ય કેટલીક હકીકતો પણ બહાર આવી શકે છે.
Ahmedabad,Gujarat
Jan 30, 2026 10:56 PM IST

